પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવી અમારા મુખ સામે જોઈ રહી પાછા ટોળા બહાર નીકળી જઈ સુધારાવાળાને ખબર આપવા સારુ ચાલ્યા જતા હતા. એ માટે અમને લેશમાત્ર ચિંતા નહોતી પણ ભદ્રંભદ્રને ભીતિ એ લાગવા માંડી કે ટોળું વધારે પાસે ધસી આવશે. મને પાસે બોલાવી કહ્યું, 'મને આ લોકોની મારની બીક નથી, પણ, એ અસ્પૃશ્ય લોકો વધારે પાસે આવશે અને એમનો સ્પર્શ થશે તો એટલી અશુદ્ધિ આપણને પ્રાપ્ત થશે કે સ્નાનથી શું પણ મત્સ્યરૂપે પુનર્જન્મથી પણ તે દૂર નહિ થાય. અસ્પૃશ્ય ચાંડાલોના સ્પર્શની બીક હોય તેવે સ્થળે જવાનો કે રહેવાનો શાસ્ત્રમાં સ્પષ્ટ નિષેધ છે. દેશનું સત્યાનાશ જતું હોય તોપણ સ્પર્શાસ્પર્શના નિયમોનો ભંગ કરવો નહિ. તે માટે તો દેશ પર ચઢાઈ કરનારા યવનો અને મ્લેચ્છો સામે લડાઈ કરવાનો આપણા પૂર્વજોએ ઝાઝો આગ્રહ કર્યો નહિ. કેમકે દેશના રક્ષણના હેતુથી પણ યુદ્ધમાં અસ્પૃષ્ય જનોના સ્પર્શથી આર્યધર્મ ભ્રષ્ટ થાય છે. આ ધર્મહાનિની ભીતિથી જ આપણા પૂર્વજો બીજા દેશ પર ચઢાઈ કરવા ગયા નથી.'

આ કારણસર ભદ્રંભદ્રે ભાષણ સમાપ્ત કરી ટોળું વિખેરી નાખ્યું.

૧૪ : ભૂતલીલા

હવાફેરથી કે કોણ જાણે શાથી કારાગૃહમાં બે દિવસ ગાળ્યાથી ક્ષુધા પ્રદીપ્ત થઈ હતી, તેથી સત્વર ઘર તરફ જવાની મેં સૂચના કરી પણ ભદ્રંભદ્ર કહે "परान्नं दुर्लभं लोके" શાસ્ત્રાનુસારી બ્રાહ્મણે તો પારકાનું અન્ન ખાવાની જ બનતાં સુધી ગોઠવણ કરવી, માટે ભોજન કરાવનાર આતિથ્યકારની પ્રથમ શોધ કરીએ. કોઈ નહિ મળે, તો પછી ઘેર જઈને ઉદર ભરવાનું તો છે જ.'

કેટલેક અંતર ગયા પછી સુભાગ્યે એક મહોટા ઘરમાં માળ પર બ્રાહ્મણો જમતા હોય એવી હોહા અને ગરબડ સંભળાઈ. ઉપર જવાનો દાદર ઓટલા પર પડતો હતો પણ એક ચાકરે અમને અટકાવ્યા અને કહ્યું, "અત્યારે કોઈને ઉપર જવા દેવાનો હુકમ નથી, કેમ કે શેઠ શાહુકારો ને અમલદારો ભરાયા છે."

ઘોંઘાટ પરથી એ વાત માનવા જેવી લાગી નહિ. વાટ જોઈશું એમ કહી અમે ચાકર જોડે વાત કરવા બેઠા. ભદ્રંભદ્રે તેને ભોજનસામગ્રી વિષે કેટલીક વાતો પૂછી પણ તેણે સંતોષકારક ઉત્તર આપ્યા નહિ. 'મારે ને રસોઈયાને અણબનાવ છે, તેથી મારે ભાગે બહુ થોડું આવે છે.' એ જ ઉત્તર તેણે મુખ્યત્વે કરીને આપ્યો. ચલમનો દેવતા ફૂંકવામાં તેનું ધ્યાન વધારે હતું. આખરે તેણે ચલમ ઠાલવી દઈ તમાકુની શોધ કરવા માંડી. ભદ્રંભદ્રે તેને તમાકુ લેવા સારુ પૈસો આપ્યો. તે લઈ તે બજાર તરફ ગયો. આ લાગ જોઈ અમે માળ ઉપર ચઢી ગયા.

દાદર ચઢતાં સામે "सिर्फ सनातन आर्यधर्मीओ कु प्रवेश की अनुज्ञा है" એ વાક્યવાળું પાટિયું જોઈ ભદ્રંભદ્ર સંતુષ્ટ થયા, પણ ભાણા પર બેઠેલા બ્રાહ્મણો જોવાની