પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
બેટા રોતા થા.


થોડી પળ ૨ડ્યા પછી તેણે જવાબ આપ્યો “ આને છોલી આપ.” બાદશાહે શેરડી છોલીને તેના હાથમાં આપી. તે લઈને પાછો રડવા લાગ્યો. બાદશાહે પૂછ્યું “ હવે શા માટે રડે છે?” તેણે કહ્યું “એના કકડા કરી આપ.”

બાદશાહે કકડા કરી આપ્યા એટલે બીરબલે રડતાં રડતાં કહ્યું “મ્હારી ટોપીમાં નાંખ.” બાદશાહે તેમ કર્યું. એટલે તેણે ટોપી શેરડીના કકડા સુદ્ધાં ફેંકી દીધી. બાદશાહ ઉઠીને તે વીણવા લાગ્યો અને બીરબલ આગળ ભેગા કરી પૂછ્યું “ બેટા ! છાનો રહે. જો તેં કહ્યું તેમ મ્હેં કર્યું ને?” બીરબલે તો રડવાનું બંધ કર્યું જ નહીં અને પગ ઘસવા લાગ્યા. બાદશાહે આ પ્રકાર જોઈ પૂછયું “ બેટા ! આમ શા માટે કરે છે ?”

બીરબલે કહ્યું “આને કાપી કેમ નાંખ્યો? પાછો આખો કરી આપ.”

બાદશાહે કહ્યું “બેટા ! આને આખો કેવી રીતે કરી શકાય ?”

બીરબલે હાથ જોડી આરઝ કરી “ત્યારે પછી હું રડવાનું કેમ બંધ કરૂં?”

બાદશાહે કહ્યું “ બીરબલ ! ધન્ય છે તને ! તું જે બોલ્યો તે ખરૂં જ છે. ખરેખર બાળહઠ તે બાળહઠજ છે.”

બાદશાહનો ગુસ્સો તદ્દન ઉતરી ગયો હતો એટલે તે તખ્ત ઉપર જઈ બેઠો. બીરબલ પણ પોષાક બદલી પોતાની જગ્યાએ જઈ બેઠો. બધા દરબારીયોએ બીરબલનાં ઘણાં જ વખાણ કર્યા અને બાદશાહે પણ ભારે ઈનામ આપ્યું.