પૃષ્ઠ:Birbal Vinod.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
8
બીરબલ વિનોદ.


તમને કહેવું પડે એ ઠીક ન કહેવાય. માટે તાકીદે ચાલો, નહી તો પછી મુશ્કો બાંધી લઈ જવા પડશે.”

બીરબલે કહ્યું “ખાનસાહેબ! એટલા બધા કેમ અકળાવ છો? કપડાં પહેરી અત્યારે જ તમારી સાથે આવું છું.” કહી બીરબલે ઘરમાં જઈ કપડાં પહેર્યા અને ઈશ્વરનું સ્મરણ કરી હજુરીયાઓની સાથે બાદશાહ સ્હામે જઈ હાજર થયો. બાદશાહે તેને પોતાની પાસે બેસવા ફરમાવ્યું.

બીરબલ રાજ્યરીતિ પ્રમાણે બેઠો. બાદશાહે આનંદિત ચ્હેરે પુછ્યું “તમારું નામ શું છે?" બીરબલે કહ્યું “જહાંપનાહ ! મારું નામ બીરબલ છે.”

"વારૂ બીરબલ! કાલની રાત્રિ ક્યાં અને કેવા પ્રકારે તમે ગુઝારી?"

"હુઝૂર! કાલે તો હું મેળામાં ગયો હતો અને ત્યાં ભાંગ વગેરે ખૂબ પીધી, અને ખૂબ નાચરંગ જોયો. તે પછી રાત વધારે વીતતાં મારા મિત્રમંડળ સાથે શહેરમાં પાછો ફર્યો અને ઘેર ગયો. પણ નીશો વધારે ચઢેલો હોવાથી ઘેર જતાં જ પલંગ પર પડ્યો અને એવી બેભાનાવસ્થામાં સૂઈ રહ્યો કે હમણાં જ થોડી વાર પહેલાં ઉંઘમાંથી જાગ્યો અને એવામાં તો આપનો હજુરી બોલાવવા આવ્યો એટલે આપની હુઝરમાં આવી હાઝર ગયો.”

આ ઉડાઉ જવાબ સાંભળી બાદશાહ ક્રોધે ભરાયો તેણે કહ્યું “કેમ, તું મને પણ છેતરવા માગે છે? શું, તને ખબર નથી કે આ ઈન્સાફી રાજ્ય છે? માટે સાચે સાચું કહી દે, નહીં તો હમણાંજ હાથીના પગ તળે છુંદાવી નાંખીશ.”