પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
પ્રેમાનંદ

એણી પેરે માંડ્યું રાજ્યાસંન, અણચાલતે વશ કીધું મંન;
એ કથા એટલેથી રહી, નળ રાજા શું કરતો તહીં.
જ્યારે પુષ્કર ઉઠી વનમાં ગયો, ભાઇ વિના ભૂપ એકલો રહ્યો;
નિષ્કંટક રાજ્ય એકલો કરે, ધર્મ આણ રાજાની ફરે.
માગાં મોકલે દેશ દેશના ભૂપ, નળ જોવડાવે કન્યાનું રૂપ;
શરીર કુળમાંહે કહાડે ખોડ, કહે ના મળે કો મારી જોડ.
બત્રીસ હોય લક્ષણ સંપૂર્ણ, તેહેનું હું કરું પાણિગ્રહણ;
એમ કરતાં વહી ગયા દિન્ન, એવે આવ્યા નારદ મુંન.

વલણ

નારદ મુનિ પધારીઆ, સુણ યુધિષ્ઠિર ભૂપાળરે;
પછે વેણાપાણીએ કેમ મેળવ્યું, નળનું વેવીસાળરે.

કડવું ૩ જું–રાગ:રામગ્રીની દેશી.

એણીપેર બોલ્યા બૃહદૃશ્વ વાણીજી, નળને ઘેર આવ્યા વેણાપાણીજી;
વીરસેન સુતે દીધું માનજી, અર્ધપાદ્યે પૂજ્યા ભગવાનજી.

ઢાળ.

પૂજ્યા નારદ આદર આણી, હૃદેમાં અતિ પ્રેમ;
અન્યોન્યે પૂછીઓ, સમાચાર કુશળ ક્ષેમ.
રાજ્યાસન સૂનું નળનું દેખી, નારદ ઋષિ એમ પૂછે;
પટરાણી દિસતાં નથી એ, કોહોની કારણ શૂં છે.
આસને બેસવું રાણી વિના, તેહેનો મોટો દોષ;
પછે પ્રતિઉત્તર વિચારી નળ, બોલીઆ ધરી શોષ.
નળા તમો પ્રજાપતિના, પુત્ર વેણાધારી;
જાણતા હશો બ્રહ્માજીએ, માહરે નિરમી છે કો નારી.
સપ્તદ્વિપ નવખંડ માંહે કાંઇ ક્ન્યા કોટાકોટ;
ઋષિ હું વરું એવી નવ મળે, શકે છે કન્યાની ખોટ.
રૂપ તાંહા કુળ નહીં, કુળ તાંહાં નહીં ચાતુરી ચાલ;
કો સકળ લક્ષણ હોય પૂરણ, તો હું પરણું તત્કાળ.
નારદ ઋષિ તવ ઓચર્યા, એમા ન કીજે ભૂપ;
તારા સરખું નવ મળે, કો શ્યામાનું સ્વરૂપ.