પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
ચિત્રદર્શનો
 

કરદંડ ત્‍હેના ઝૂલતા,
પદ્મ સમું હૃદય પથરાતું.
વિશાલ અને સ્નાયુબદ્ધ
વજ્રવાળેલ દેહદુર્ગ હતો.
ત્‍હેનાં ગૌરવવન્તાં નયનોમાં
સૂર્ય ને ચન્દ્ર બેઠા હતા.
પ્રજાએ ધરાવેલા મુગટમાંથી
તારકાવલિ સમું રત્નમંડલ તગતગતું,
ને મહીંથી પ્રકાશની ધારાઓ વર્ષતી.
ગાંડીવ અને પિનાક જેવી
નમણી ભમ્મરો નમેલી હતી.
ચ્‍હડાવેલાં શર સરીખડાં
દૃષ્ટિનાં કિરણો ઝબકતાં.
અગ્નિની શિખા જેવો અધર હતો,
વિધાત્રીની પાટી જેવું લલાટ હતું.
પ્રગટતાં પ્રભાતરંગી કપોલે
તપની ઉગ્રતા, દાનની ઉદારતા,
સામન્તનું શૂરાતન, નાયકની રસિકતા,
સરલતા, દક્ષતા ને સાદાઈની
જન્મપુરાણ રેખાઓ લંબાતી.
તડકાછાયાની પેઠે વદનમાં
પ્રતાપ ને શીતળતા રમતાં.
રોમરોમમાંથી સત્યનું તેજ ભભૂકતું.