પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
ચિત્રદર્શનો
 

ઉછેરનો વિચાર કરતાં આશ્ચર્યાનન્દ નથી થતો ? વર્તમાન હકીકત નહીં પણ ઇતિહાસમાંની એ કથા હોય એમ કોઈ વર્ણવે તો તે અદ્‍ભૂત ન લાગે ? ઈ. સ. ૧૮૫૦ ની આસપાસમાં ગુર્જરપ્રિય ફાબર્સ સાહેબે સાદરામાં તાલુકદારી સ્કુલ કાઢી અને એ અરસામાં કવિ દલપતરામે રાજવિદ્યાભ્યાસનું કાવ્ય લખ્યું, અને એમ એ મિત્રદ્વંદ્વે રાજકુમારોના શિક્ષણનો પાયો રોપ્યો, ત્ય્હારથી આજ સુધીમાં એ આંબે અનેક સદ્‍ફળ આપ્યાં છે, પણ ત્‍હેમાં યે મહારાજ સયાજીરાવ અદ્વિતીય છે. મહારાજનાં શિક્ષણક્રમમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર મુખ્ય હતા, તથા મિ. ઇલિયટ જેવા સુદૃઢ લગામધારી શિક્ષાગુરુ હતા. પ્રખ્યાત ઇતિહાસનવેશ ગિબનકૃત રોમના મહારાજ્યનો અન્ત અને વિનાશ-The Decline and Fall of the Roman Empire by Gibbon એ મહાગ્રન્થ એ કાલમાં મહારાજનું પ્રિય પુસ્તક હતું. એ શિક્ષણક્રમને પરિણામે બુદ્ધિવિકાસ કેટલી અવધે પહોંચી શકે તે આપણે અનુભવીએ છીએ; સૂક્ષ્મદર્શક ને દૂરદર્શક ઝીણવટ સર્વગ્રાહિત્ય કેટલું ખીલે ત્‍હેનું દૃષ્ટાન્ત પ્રત્યક્ષ જ છે.

ગાદીનશીન થયા પછી દેશદેશાન્તરના વિધવિધના લોકસમાજ અને લોકસંસ્થાઓ નીરખવા ને પારખવા કાજે મહારાજે વારંવાર સમુદ્રોલ્લંઘન કર્યું છે, અને પ્રથમ સમુદ્રોલ્લંઘન પછી દેહશુદ્ધિને અર્થે પ્રાયશ્ચિત્તે લીધું હતું. પૃથ્વી પરકમ્માની મહાયાત્રા યે મહારાજે અને મહારાણીજીએ