પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
 

મ્હારે પારખી ક્‌હેવાનું નથી. રંગચિત્રની પેઠે શબ્દચિત્રે સાચ્ચું જ હોવું જોઈએ; સ્નેહને લીધે સત્યદર્શનમાં દૃષ્ટિવિકાર ન જ થવો જોઈએઃ ન હોય તે નિરખાવું ન જોઈએ, કે હોય તે પરગુણપરમાણુનો પર્વત ન થવો જોઈએ. નયનની સ્વચ્છતા ને વિવેકનાં માપ સાચવતાં યે કેટલીક વેળા ઈતિહાસનાં તેજકિરણો એવાં વરસતાં હોય છે કે ચોક્‌ખી ને સાવચેતીવાળી આંખને યે ઝાંઝવાનાં દર્શન થાય છે.

કેટલાક સાહિત્યરસિકો તો કવિતાની ટૂંકી વ્યાખ્યા જ શબ્દચિત્રને કહે છે. એ વ્યાખ્યા એકદેશી છે, સર્વદેશી કે સત્ત્વદર્શી નથી. કેટલાકનો વળી એવો યે અભિપ્રાય હોય છે કે સાહિત્યકારે માનવકથા ન ગાવી જોઈએ. આ અભિપ્રાયે ઉપરછલ્લો છે, તત્ત્વપારખુ કે મનનશીલ નથી. મનુષ્યની કુદરતની કલાની પ્રસંગની વિશેષતાનાં, જગન્નાથ પંડિતના શબ્દોમાં ' લોકોત્તર રમણીયતા ' નાં, ગુણકીર્તન કોઈ સાહિત્ય-ઉપાસક જેટલે અંશે ગાય તેટલે અંશે પ્રભુની જ પ્રગટ પ્રભુતાનાં તે ગુણકીર્તન ગાય છે. એ સહુ પ્રભુની જ વિધવિધ વિભૂતિઓ છે એવું ગીતાજીનું વચન છેઃ


यद्यदविभूतिमत्सत्त्वं श्रीमदजिंतमेव वा
तत्तदेवागच्छ त्वं मम तेजों शसंभवम्


ન્હાનાલાલ દલપતરામ કવિ