પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

વિનંતી સમજો અને અર્ધો કલાક રેટિયો કાંતો. એમાં તમારું કશું નથી જવાનું, અને દેશનું દળદર ફીટશે. તમે મારી પાસે કેટલું દુઃખ રોવરાવવા માગો છે ? તમે અસ્પૃશ્યતા ન કાઢી શકો તો ધર્મનો નાશ છે. સાચો વૈષ્ણવધર્મ તે જ કે જેમાં વધારેમાં વધારે પોષક શક્તિ હોય. અત્યારે તો વૈષ્ણવધર્મને નામે હરિજનોનો નાશ થઈ રહ્યો છે. અસ્પૃશ્યતા એ હિન્દુધર્મનું રહસ્ય નથી. અસ્પૃશ્યતાનિવારણ, હિંદુમુસલમાન-ઐક્ય, અને ખાદી એ મારી ત્રિવેણી છે. તે ભાઈબહેનો પાસે, રાય અને રંક સહુની પાસે હું માગું.

દારૂની બદીનો નાશ થવો જ જોઈએ, અને તે પ્રજાના જ પ્રયત્ને. મને શંકા નથી કે પ્રજાના જ પ્રયત્ને એ બદી અટકી શકે. કેટલાક મૂર્ખાઓએ જબરદસ્તીના ઉપાય ન લીધા હોત તો હિંદુસ્તાનમાં આજે એ બદી ક્યારનીય નાશ પામી ગઈ હોત. પોરબંદરમાં ઘણા ખારવાઓએ દારૂ છોડ્યો એમ મેં સાંભળ્યું છે. અને રાણા સાહેબ એમાં સંમત છે અને મદદ કરવા તૈયાર છે એમ પણ સાંભળ્યું છેં. આપણે દારૂની લતમાંથી ન છૂટીએ ત્યાંસુધી આપણે સ્વતંત્ર ન થઈ શકીએ. સ્વતંત્રતા માટેના યુરોપના ઇલાજ આપણને કામ ન આવે. ત્યાંના અને આબોહવા અને આપણા લોકો અને આપણાં આબોહવામાં હાથીઘોડાનો ફેર છે. ત્યાંના લોકો દયાનો ત્યાગ કરી શકે છે, આપણે નથી કરી શકતા. મને પરદેશના મુસલમાનો કહે છે કે અહીંના મુસલમાનોનું હાડ મુકાબલે રાંક છે. એ સારું કે ખરાબ એ તો હિંદુમુસલમાનો જ કહી શકે, કે જગત કહી શકે. પણ મને લાગે છે કે તેઓ રાંક છે તેથી આપણે કશું ખોવાના નથી. દયાળુ બનવું એટલે બીકણ