પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

રાજ્ય મટે ને પ્રજારાજ્ય થાય તો દેશી રાજ્યની સુધારણા હું હસ્તામલકવત્‌ સમજું છું. અંગ્રેજી રાજ્ય સફેદ બાહુબળનું રાજ્ય મટીને ઘઉંવર્ણી બાહુબળનું રાજ્ય થાય, તો તેથી ન પ્રજાને કંઈ લાભ થાય, ન દેશી રાજ્યો સુધરે. આ બે દાખલાનો તાળો શાંતિથી વિચારવાવાળાં હરકોઈ સ્ત્રીપુરુષ પોતાની મેળે મેળવી શકે છે.

વાતાવરણ ડહોળાયેલું લાગતા છતાં હું રેંટિયા અને ખાદીની પ્રગતિ સ્પષ્ટ જોઈ રહ્યો છું, અસ્પૃશ્યતાનો નાશ થતો જાય છે, અને હિંદુંમુસલમાન સમજીને નહિ તો લડીને ઠેકાણે આવશે જ. એથી સ્વરાજની શક્યતા વિષે મારી શ્રદ્ધા અવિચળ છે.

નવજીવન, ૧૯–૭–૧૯૨૫