પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
કાઠિયાવાડ રાજકીય પરિષદ

તેની કાર્યદક્ષતા છે. એ અંકુશથી પરિષદને નુકસાન મુદ્દલ નથી, લાભ ઘણો છે.

અહિંસા અને સત્યને માર્ગે જનાર એ મર્યાદાનું સહેજે પાલન કરે. એટલે હું તો એટલે સુધી જાઉં છું કે, એ મર્યાદા કાઠિયાવાડ રાજકીય પરિષદનો ઠરાવ છે તેથી જ સત્યાગ્રહી તેનું પાલન નહિ કરે, પણ તે સ્વતંત્રપણે આવશ્યક છે તેથીયે કરે.

अ રાજ્યનાં દૂષણોની ટીકા ब રાજ્યમાં કરવી એ તેની નિંદા છે, તેમાં કાયરતા છે. अનાં દૂષણો તેના રાજ્યમાં જઈ ઉઘાડાં પાડવામાં વીરતા છે. अને અને बને મિત્રાચારી છે. તેથી જો बની હદમાં अની નિંદા થાય તો बની સ્થિતિ કફોડી થાય. સત્યાગ્રહી આમ કોઈ ને વગરકારણે કફોડી સ્થિતિમાં ન મૂકે. પણ अઅને ત્યાં જઈને તેની ટીકા કરવાનું ન બની શકે એવું હોય ત્યારે ક્યાંક તો ટીકા કરવાનું સ્થાન જોઈએ એમ કોઈ કહી શકે. આનો જવાબ તો સીધો જ છે. અંગ્રેજી રાજ્યના પેટામાં દેશી રાજ્યો રહ્યાં છે, એટલે અંગ્રેજી હદમાં પેટ ભરીને બધાં પેટારાજ્યોની ટીકા થઈ શકે છે અને થતી આવી છે.

એટલે આટલાં વર્ષના અનુભવે પણ મારા અભિપ્રાયને હું વળગી રહું : ભાવનગરમાં મુકાયેલો અંકુશ જેટલો આવશ્યક ત્યારે હતો તેટલો જ આજે છે. સત્યાગ્રહીને સારુ પરિષદમાં ને પરિષદ બહાર પણ તે બંધનકારક છે. જો યુગ બદલાયો હોય તો આજ આપણામાં તે તે રાજ્યમાં જવાની ને તેની પાસે સુધારા કરાવવાની શક્તિ હોવી જોઈએ. દૂષિત રાજ્યની બહાર તેની ટીકા કરવામાં શી વીરતા બતાવવાની હોય ?

નવજીવન, ૮–૭–૧૯૩૧