પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧
વિષ્ટિને કાજે

સભ્યોનાં નામોના ફેરફાર પૂરતો અપવાદ રાખી આખું કરારનામું જેમનું તેમ સ્વીકારે, કેદીઓને છોડે ને દંડ પાછા આપે, તો હું મારી મુસાફરી અલબત રદ કરીશ. સભ્યોના ફેરફાર સિવાય બાકી બધી બાબતમાં પૂરી સત્તા આપીને કોઈ પણ અમલદારને તમે મોકલી શકો છો. સરદારે નીમેલા સભ્યોની બહુમતી એ શરત કાયમ રહેશે. પ્રભુ ઠાકોર સાહેબનો અને તેમના કાઉન્સિલરોનો માર્ગદર્શક થાઓ. હું તાકીદના તારની આશા રાખું ? —ગાંધી

રાજકોટ, તા. ૨૪: તમારા તાર પછી તમને ખબર મળી હશે કે ગઈ રાતે ઉપવાસ છૂટ્યા છે. ઉપવાસમાં વજૂદ નહોતું એની ખાતરી તમને નાનાલાલ જસાણી અને મોહનલાલ ગઢડાવાળાએ મોકલેલા તારથી થઈ હશે. પોતાની તરફથી કોઈ જાતનો વિશ્વાસભંગ થયો છે એમ ઠાકોર સાહેબ માનતા નથી. સર્વ પ્રતિનિધિઓની સમિતિ શાંત વાતાવરણમાં કાર્યનો આરંભ કરી શકે, જેથી સમિતિની ભલામણોનો પોતે પૂરેપૂરો વિચાર કરીને જરૂરી લાગે તે સુધારા બનતી તાકીદે દાખલ કરી શકે, એ સારૂ ઠાકોર સાહેબ ઇન્તેજાર છે. તેમને ખાતરી છે કે આ સંજોગોમાં તમે અહીં આવ્યેથી કશો ઉપયોગી હેતુ નહિ સરે. ઠાકોર સાહેબ ફરી તમને ખાતરી આપવા ઇચ્છે કે કોઈ પ્રકારનો અત્યાચાર કે ત્રાસ વર્તાવવામાં આવ્યો નથી અને આવશે હિ. — પ્રથમ સભ્ય

વર્ધા, તા. ૨૫: મારી અંતરની આજીજીનો જવાબ તમારા તારમાં નથી. હું આજે શાંતિ અર્થે રાજકોટ આવવા નીકળું છું. — ગાંધી