પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

પત્ર લખીને એ હક આપી દીધો છે. આજનો તમારો પત્ર એ દાન રદ કરે છે. હું તો એમ માનું છું કે ગઈ કાલના મારા પત્રમાં મેં જણાવેલી શરતોનો સ્વીકાર વચનપાલન માટે જરૂરી છે. ઈશ્વર તમને એ સ્વીકારવાની સદ્‌બુદ્ધિ આપો.

ખાંસાહેબ દ્વારા આજે મેં સૂચના તમારા પર પાઠવી છે તેનો અમલ કરવા યોગ્ય છે, અત્યારે સત્યાગ્રહ મોકૂફ રહેલો હોવાથી સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવાનો તમારો ધર્મ છે.

રાજકોટ, ૪–૩–૩૯
મોહનદાસના આશીર્વાદ
 

નરી નિષ્ઠુરતા
(ગાંધીજીનું નિવેદન)

રાજકોટ દરબારે પ્રગટ કરેલી યાદી વાંચી મને દુઃખ થયું. અત્યાર લગી બહાર પડેલાં નિવેદનો જેમણે વાંચ્યાં છે તેઓ મારા અભિપ્રાયને મળતા થશે કે આ યાદી ટાળાટાળથી તેમ જ અનર્થોથી ભરપૂર છે. આ યાદીને વિગતવાર તપાસવાની મારામાં અત્યારે શક્તિ નથી, ઇચ્છાયે નથી. પણ ઠાકોર સાહેબ પરના મારા પત્રમાં તેમ જ છાપાંનાં નિવેદનમાં જે એક બાબત વિષે મેં મૌન સેવ્યું છે તે બાબતમાં ખુલાસો કરવાની જરૂર આ યાદીથી ઊભી થઈ છે. એ બાબત મારા રાજકોટ આવવાના સંબંધમાં જે જુલમોનો મેં મારા તારવહેવારમાં ઉલ્લેખ કર્યો હતો તે છે. હું ચૂપ એટલા સારુ રહ્યો હતો કે ખાંસાહેબ તથા તેમની નીચેના અમલદારો જેઓ સત્યાગ્રહીઓ જોડે થયેલા વર્તાવને સારુ સૌ પહેલા જવાબદાર હતા તેમને ભૂલ્યેચૂક્યે પણ અન્યાય ન થવા દેવા અને સંપૂર્ણ ન્યાય આપવા હું ઇંતેજાર હતો. પણ મારા મૌનની કદર કરવાને બદલે ઊલટું મારી સામે પુરાવા તરીકે એનો ઉપયોગ