પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

ગુનેગારને અગર ગુનેગારોને પોતાના અપરાધની સજા ખમવી પડે — પછી તે અપરાધ રાજ્યને પક્ષે થયો હોય કે પ્રજાને પક્ષે — એવી અદાલતી તપાસ જ પ્રશ્નમાં વિશ્વાસ પેદા કરી શકે. આમ જો રૈયતે રાણાને દબડાવવાનો કે ભયભીત કરી મૂકવાનો પ્રયત્ન કર્યો હોય તો તે બેશક તેટલું જ ખોટું હતું જેટલું શ્રી. ભાગમલે તેમની સામેના હુકમની જો અવગણના કરી હોય તો તે ખોટું હતું. વળી કહેવાતા સરઘસમાં બહારના લોકો ભળ્યાની બીના જો સાચી હોય તો તે પણ તેટલું જ ખોટું હતું. તાત્કાળિક ‘અલ્ટિમેટમ’ અપાયાની બીના પણ જો સાચી હોય તો તે ભારે ઉદ્ધતાઈ ગણાય, અને તે તીખી નિંદાને પાત્ર છે. જવાબદાર રાજ્યતંત્ર આથી કંઈક વધુ સંગીન સામગ્રીમાંથી બને છે. ધામી રાજ્ય સાચે જ જો ૫,૦૦૦ની વસ્તીનું અને રૂ. ૩૦,૦૦૦ની વાર્ષિક આવકવાળું રજવાડું હોય તો અહીં જવાબદાર રાજ્યતંત્ર અર્થ વગરની વસ્તુ છે. જો દરેક રજવાડાની પ્રજા કાયદો હાથમાં લઈને આમ ચાલી નીકળશે તો લોકોને અપરંપાર નુકસાન પહોંચાડશે. આવાં રાજ્યોની રાહબર અખિલ ભારત પ્રજા પરિષદ બેઠેલી છે. તેની રાહબરી દરેક પ્રજામંડળે લેવી જોઈએ અને પોતાનો કેસ અને પોતાની સ્વતંત્રતાની માગણી ઘડવી જોઈએ. અહીં તે પ્રજા બહુ ઉતાવળી થઈ ગઈ એ નિઃસંદેહ છે.

પણ રાણાનું શું ? તેમણે પ્રજાની જોડે ન્યાયનું વર્તન રાખ્યું છે શું? શું સાચે જ તેમની જિંદગી એવડા જોખમમાં મુકાઈ ગઈ હતી કે તેમને આત્મરક્ષાની ખાતર ગોળીબાર કરાવવો પડે ? દરેક ટોળું કંઈ ખસૂસ દુશ્મન ટોળું નથી હોતું. ગોળીબારની બીનાને કોઈએ હળવી ન જ લેખવી જોઈએ. દેશી રાજ્યોની