પૃષ્ઠ:Divasvapna.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે બેાલ

મને કોઈએ કહ્યું કે ભારેખમ તાત્ત્વિક લેખોને બદલે વાર્તારૂપ શૈલીમાં શિક્ષણના વિચારોને લખો તો !

મને પ્રયત્ન કરવાની પ્રેરણા મળી અને ફળ રૂપે આ 'દિવાસ્વપ્ન' આવ્યું.

દિવાસ્વપ્નોનું મૂળ વાસ્તવિક અનુભવ હોય તો તે મિથ્યા નથી જતાં. આ દિવાસ્વપ્ન મારા જીવંત અનુભવોમાંથી ઊપજ્યું છે, અને મારી ખાતરી છે કે પ્રાણવાન ક્રિયાપ્રધાન કલ્પક શિક્ષકો પોતાને માટે પણ તે વાસ્તવિક કરી શકશે.

મને આવાં દિવાસ્વપ્નો બહુ આવી ગયેલાં છે. જે શિક્ષકને તેમાં વિહરવાની, અને તેમાંથી વાસ્તવિક જગત રચવાની મજા આવશે તો હું તેમને તે આપવાની મારી ફરજ સમજીશ.

હાલ તો આટલેથી બસ.

ગિજુભાઈ

માર્ચ, ૧૯૩૧


પ્રવેશક

જરાક કલ્પના હોય, થોડીએક વિચાર કરવાની શક્તિ હોય અને અદ્યતન સાહિત્યનો સારો એવો પરિચય હોય તેવા માણસ માટે કેળવણીકાર બનવું સહેલું છે. ગિજુભાઈ કેળવણીકાર તરીકે જાણીતા છે. દક્ષિણામૂર્તિની સંસ્થામાં કામ કરતાં કરતાં કેળવણીના ક્ષેત્રમાં નવા વિચારોને નવી રીતે તેમણે મૂક્યા કર્યા છે. ગુજરાત આખું એમને કેળવણીકાર તરીકે તો એાળખતુ થયું જ છે.

કેળવણીના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવું, શિક્ષણની અનેકવિધ પદ્ધતિઓની યોજનાઓ કરી કેળવણીના સિદ્ધાંતેને તેવી પદ્ધતિઓ દ્વારા સાક્ષાત્કાર કરવા કરાવવા, અને પોતાના જાતદૃષ્ટાંતથી તેના અમલ તરફ શિક્ષણના ધંધામાં પડેલાઓને વાળવા તે કામ શિક્ષણ- શાસ્ત્રીનું છે, કેળવણીકાર આવા શિક્ષણશાસ્ત્રી ન બને ત્યાં સુધી કેળવણીના તેના વિચારો માત્ર વિચારો જ રહે છે. ગિજુભાઈ આવા