પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાચો સંવાદ


પહેલી રોટલીથી વિચારમાં પડી જાઓ છો ત્યારે મારે યાદ આપવું પડે છે. કેટલી રોટલી ખાધી એનો હિંસાબ પણ મને પૂછવો પડે છે અને કોઇ વાર વાતે ચડો છો ત્યારે તો એ પૂછવું પણ ભૂલી જાઓ છો! ”

વાત ખરી હતી. પેટ પર હાથ ફેરવી જોતાં મને ખબર પડી કે આજે મેં ઘણું ખાઇ નાખ્યું છે. હું ભાત ખાવાનો વિવેક કર્યા વિના ઊભો થયો અને મારા ખંડમાં દીવો મોટો કરી બેઠો. આજની વાત પર વિચાર કરતાં મારાથી મોટેથી હસી જવાયું. પછી બધી વાતચીત હું લખવા બેઠો. લખી રહ્યો ત્યાં એ આવીને મને કહેઃ “ એકલા એકલા કેમ હસતા હતા ?" મેં તેને મારી પાસે બેસાડી બધું વંચાવ્યું. તે પણ હસી પડી. મને કહે: “ આજ સુધી માનતી હતી કે તમને કશુંય આવડતું નથી, માત્ર વાંચતાં લખતાં આવડે છે. વાંચો તો અંગ્રેજી એટલે શું કહું પણ આ જોતાં લાગે છે કે તમને લખતાં પણ નથી આવડતું. એ પણ હવે ભેગું લખી લ્યો."

મેં કહ્યું: " એ લખવાની જરૂર નથી. મને વાંચતાં લખતાં નથી આવડતું એ હું ઘણા વખતથી જાણું છું. એમાં કશું નવું નથી. ઉપરની હકીકત નવી છે માટે લખી છે. એટલે હવે આનું મથાળું શું કરવું ? ”

"પહેલાં એક કર્યું હતું તેમ કરો: ‘ સાચો સંવાદ.' "

"ભલે."

“ તમે વાત બધી મારી લખો, મથાળું પણ મારું આપેલું લ્યો, ત્યારે આમાં તમારું શું ? ”

"મથાળું. તું ધારે છે તે કરતાં હું તેનો જુદો અર્થ કરું છું."

૪૧