પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
દ્વિરેફની વાતો.

દૃઢતા અને શ્રદ્ધા જોઈ બોલ્યાઃ “આજ સારો સંસાર તમને વધામણી આપશે ત્યારે અમે તમારો આખો સંસાર અને તેનું ફળ લઈ લીધું ! ગૃહી અગૃહી વચ્ચેનો એ ફરક!” આચાર્યે ગંભીર સ્મિત કર્યું.

“આપ કહો છો ત્યારે કહું છું. અંધારિયાં અમે વર્જેલાં જ હતાં, અને પુત્ર આવે તો જાવજીવ[૧] ચોથું વ્રત લેવા અમારો પહેલેથી જ સંકેત હતો. આપની એ જ આજ્ઞા થઈ એ તો હું સદ્‌ભાગ્ય સમજું છું. આપ દર વરસ પધારતા નથી પણ અનુકૂળતાએ પધારતા રહેશો અને આઠમે વરસે જરૂર પધારશો.”

“યથાવર્તમાન.”[૨]

વિમલશીલ વંદીને ચાલ્યો ગયો. નગરના વંશપરંપરાના નગરશેઠનું પદ નીકળી જઈ પોતાને ન મળે તે માટે તે કદી પણ કોટિપતિ થતો નહોતો, એ તો આચાર્યે માત્ર સાંભળેલું હતું. આજે, ગૃહસ્થ હોવા છતાં, મુનિઓને પણ દુષ્કર એવું બ્રહ્મચર્ય તેણે લીધું તે પ્રત્યક્ષ જોઈ તેમને આશ્ચર્ય થયું. શેઠના ગયા પછી ઘણા વખત સુધી જ્યોતિષ, વિમલશીલના પુત્રનું ભવિષ્ય, તેની જન્મકુંડલીના ગ્રહો, જિનશાસનનું ખરું હિત, મોક્ષ, પોતાનું કર્તવ્યાકર્તવ્ય વગેરે અનેક વિચારોનાં વમળોમાં ફરતા તે કેટલીય વાર આસન ઉપર સ્તબ્ધ બેસી રહ્યા.

વિમલશીલે પુત્રનું નામ જિનદાસ રાખ્યું. તેને નાનપણથી જિનશાસનના સંસ્કારો પાડવા અને જિનધર્મને અનુકૂળ શાસ્ત્રોનું અધ્યયન કરાવવું એ સહેલું હતું, પણ તેને માટે આવતાં કન્યાનાં માગાં પાછાં વાળવાં એ એટલું સહેલું નહોતું. તેણે વિનયથી બધાં માગાં પાછાં વાળ્યાં. તેની પત્નીએ આમાં તેને અદ્‌ભુત સાથ આપ્યો.

જિનદાસની ઉંમર આઠ વરસની થઈ ત્યારે તપોવિજયસૂરિ પાછા આવ્યા. તેમણે જિનદાસને જોયો, સંતોષ બતાવ્યો અને પાંચ વરસ પછી વિચાર કરીશું કહી તેઓ પાછા વિહારે ચાલ્યા ગયા. પાંચ વરસ


  1. ૪. यावज्जीव–જીવન પર્યંતનું.
  2. ૫. એ સમયની જેવી પરિસ્થિતિ.