પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
બુદ્ધિવિજય.

તે બોલી ઊઠ્યો : “મહારાજ, ખૂબ સમજવા પ્રયત્ન કરું છું, કંઈક સમજું ય છું. પણ…”

“શું સમજે છે?”

“મહારાજ, મારો દોષ નથી. મારા જન્મસંસ્કારો ખરાબ છે. આપે તે દિવસે વ્યાખ્યાનમાં કહેલું તેમ, મારાં માબાપે જે સંયમ પાળેલો, તેની વકરેલી વાસનાના સંસ્કારો મારામાં ઊતર્યાં છે. પ્રયત્ન છતાં…” થોડા દિવસ પહેલાં તપોવિજયજીએ ગૃહસ્થજીવન અને સંન્યાસજીવનનો ભેદ સમજાવતાં કહેલું કે કેટલાકની વાસના માત્ર દમનથી અને ચિંતનથી શમી શકતી નથી, દમનથી ઊલટી વકરે છે. તેમને માટે ગૃહસ્થજીવન છે. એવાઓએ ગૃહસ્થજીવનના સંયમનિયમથી વાસનાને વશ કરવી જોઈએ — જેમ ભડકતા ઘોડાને ધણી પંપાળતો અને ઘાસ ચારો આપતો વશ કરે તેમ.

આ ખુલાસો સાંભળતાં તપોવિજયનો ક્રોધ હાથમાં ન રહ્યો. તેમનાથી બોલી જવાયું: “કેટલું પાપ ! મારા વ્યાખ્યાનનો કેટલો દુરુપયોગ ! પોતાના પાપને માટે બીજાને માથે દોષ ચડાવવાનું કેવું ચાપલ્ય ! અને તે પણ માબાપને માથે ! તારા પર મોટામાં મોટા ઉપકાર કરનારને તું આવો બદલો આપે છે, તો તું જેના પર ઉપકાર કરીશ તેનાથી જ તારો સર્વનાશ થશે એ નક્કી જાણજે—જો કે તું કોઈ ઉપર ઉપકાર જ કરવાનો નથી !”

તે દિવસે ગુરુએ ભોજન લીધું નહિ, બીજે દિવસે બુદ્ધિવિજયે ક્ષમાયાચના સાથે આલોયણ માગ્યું. ગુરુએ કહ્યું, “સૌએ પોતપોતાનું આલોયણ કરી લેવું જોઈએ. કોઈ કોઈને સલાહ આપી શકતું નથી.”

બુદ્ધિવિજયે આઠ દિવસના ઉપવાસ કર્યા. પોતાની મેળે તપ કરે છે એ વાતથી સહાધ્યાયીઓમાં અને રાજદરબારમાં પણ તેની કીર્તિ વધી. એક દિવસ રાજાએ પોતે આવી ગુરુને મોઢે શિષ્યનાં, તેની બુદ્ધિનાં, તેની તેજસ્વિતાનાં, તેના ત્યાગનાં, સંયમનાં વખાણ