પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
દ્વિરેફની વાતો.

આથી ઉત્સાહમાં આવી બુદ્ધિવિજયે ફરી પૂછ્યું કે બધાને કંઈ કહેવાનું છે કે માત્ર પોતાને જ; અને ગુરુએ નિશાની કરી કે માત્ર તેને જ કંઈ કહેવાનું છે. શિષ્યોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ, અને બુદ્ધિવિજય માટે તેમનો આદર ઘણો વધી ગયો. એકાન્તમાં બુદ્ધિવિજય માત્રા આપી, ગુરુનું વાક્ય સાંભળવા હાથ જોડી ઊભા રહ્યો. ગુરુએ માત્ર એક જ વાક્ય કહી પ્રાણ છોડ્યા. “પેલો આટવિકપ્રયોગ કદી ન કરતો.”

બુદ્ધિવિજય માથે વજ્ર પડ્યું હોય એવો સ્તબ્ધ થઈ ગયો. આટલી સેવા છતાં કેટલો દ્વેષ ! કેટલી ઈર્ષા ! સુવર્ણપ્રયોગને બદલે આટવિક કહી કેવું મહેણું માર્યું ! મરતાં મરતાં પણ કેવો ઘા કર્યો ! અને બુદ્ધિવિજયને એટલો કાળ ચઢ્યો કે એ મરણ પામેલા માણસનું પણ તેણે મનના અંધારા ખૂણામાં એક સાથે સોવાર ખૂન કર્યું. પણ તે ગમ ખાઈ ગયો. ગુરુ નીચે આટલાં વરસ રહી, તેણે બીજી નહિ તો સ્વસ્થ મુદ્રા ધારણ કરવાની સાધના કરી લીધી હતી, અને એવી સ્થિતિમાં પણ તેની બુદ્ધિએ એક મહેચ્છાના વિનાશમાંથી બીજીનું સાધન મેળવી લીધું. ગુરુ પાસેથી બહાર આવતાં સહાધ્યાયીઓએ ગુરુએ શું કહ્યું તે પૂછતાં, તેણે ઘણી આનાકાની કરી, છેવટે કહ્યું: “જો બધાઓ આચાર્યપદ આપવા ઇચ્છા બતાવે તો ના ન પાડતો.”

“તે તમે ના પાડેલી હતી ?”

“તેમણે અનેકવાર કહેલું અને મેં દર વખત ના કહેલી.”

બુદ્ધિવિજયને આચાર્યપદ મળતાં વાર ન લાગી, હવે તેણે બધા રાજાઓના દરબારમાં પોતાનું ગુરુપદ સ્થાપન કરવા અને જિનશાસન પ્રસારવા અનેક પ્રયત્નો કરવા માંડ્યા. જ્યોતિષના ગ્રંથો મંગાવી શાસ્ત્રીઓ રાખી તે શીખી ગયો અને ફલજ્યોતિષથી સર્વને ચકિત કરવા લાગ્યો. અનેક રાજ્યોમાં તેણે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. માત્ર