પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
દ્વિરેફની વાતો.

આવવા કાગળ લખ્યો. પણ ત્યાં તો રાજારામે ચેાખ્ખી ના પાડી “મારે મોહનને હમણાં નથી પરણાવવો.” તે આવ્યો પણ નહિ.

જીવરામની વધતી જતી ઈર્ષ્યામાં નિરાશા અને પરાજયનો દ્વેષ વધ્યો. પણ તે કશું કરી શક્યો નહિ. ઊલટું પોતાના પરાજયનો ખુલાસો કરી, પેાતાની પ્રતિષ્ઠાનો બચાવ કરવો પડે એવી તેની સ્થિતિ થઈ ગઈ! પણ તે તેણે બહુ કુનેહથી કર્યું. શાસ્ત્રનું રહસ્ય સમજાવતો હોય એવી ઝીણવટથી, જગતનું કલ્યાણ ઇચ્છતો હોય એવા સદ્‌ભાવથી અને પાપીને રૌરવમાં પડતો જોતો હોય એવી કરુણાથી, આર્યોના નૈમિષારણ્યરૂપ બ્રાહ્મણવાડાની પેડલી ચોવાડ કે આંગણામાં ઘરડા અને જુવાન બ્રાહ્મણો આગળ એણે વારંવાર કહ્યું “આપણી નાત જેવી રીત બીજે થવી નથી. ઘરડાં કરી ગયાં છે તે બહુ ડહાપણથી કરી ગયાં છે. પહેલાંના વખતમાં ઘરડાંની આમન્યા કેવી પળાતી ? આ બેઠા ગોપાળજી કાકા! માથે ધોળાં થવા આવ્યાં ત્યાં સુધી બાપના દેખતાં એમણે છોકરાંને કોઈ દી તેડ્યાં નથી કે રમાડ્યાં યે નથી ? મોટાં હોય ત્યાં સુધી નાનાં તો વહેવારમાં જાણે શું? મોટાં કરે એ જ થાય. ને આ તો વહેવારમાં સમજવું નહિ; ને મોટાંનું કર્યું થવા ન દેવું ! ભીમજી ભટની કન્યા શી ખોટી હતી? એટલો બધો શો કરમીવટો ફાટ્યો જતો’તો તે એ કન્યાની ના પાડી ? એની ના પાડીને એ બીજા કોની લઈ આવવાનો છે ? જુઓને હું તો કહું છું, આવતી લક્ષ્મીની ના પાડી છે તે સારું થવાનું નથી. હવે કન્યા મળવી ન મળવી તો પ્રારબ્ધ ઉપર છે, પણ ભગવાનની આગળ દાંતે તરણાં લઈ ને કહું છું : મહારાજ, એમને સાજાં નરવાં રાખજો. બધી ખોટ ખમાશે પણ માણસની ખોટ ખમાશે નહિ ! દેશકાળ બહુ બદલાઈ ગયો ! હજી નસીબમાં શું જોવાનું હશે તે કોણ જાણે ?” આની આ વાત તેણે અનેક દિવસ ફેરવી ફેરવીને કહી અને સાંભળનારા આમાંનું શું માનતા, કેટલું માનતા