પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શાંતિને પિતાના મૃત્યુના સમાચારથી આઘાત લાગ્યો. ઘરનો ભાર પોતા પર આવ્યો તેનું ભાન તેને અસ્વસ્થ કરવા લાગ્યું. બીજી તરફથી માલતી સાથે રહેવાની ઇચ્છા તેને ગૂઢ રીતે આકર્ષવા લાગી. આથી હવે ઘર કેમ ચલાવવું, ઇંગ્લેન્ડના લોકો ઘર કેમ ચલાવે છે, કેવી વ્યવસ્થા રાખે છે, એ જ તેણે તેના પત્રોનો વિષય કર્યો હતો. યુરોપની મુસાફરીનો કાર્યક્રમ રદ કરી સીધા દેશમાં જવાનો કાર્યક્રમ જણાવી દીધો. તે પ્રમાણે મુંબઇ ઊતરી જમિયતરામને ઘેર થોડા કલાકો ગાળી માલતીને સાથે લઇ તે નક્કી કરેલા દિવસે સવારે અમદાવાદમાં ઊતર્યો.

સ્ટેશને કોદર સામો આવ્યો હતો. ઘેર જતાં ગાડીમાં રસ્તો આખો તેણે 'બાપુ'ને શું થયું, તે કેમ રહેતા, તેમને કેવી ચિંતા થતી, છેવટે કેમ ગુજરી ગયા અને અંત વેળાએ તેમણે શાંતિભાઇની અને માલતીબહેનની કેવી ભલામણ કરી એ વાત ઠેઠ સુધી જુદા જુદા રૃપમાં કહી 'અને મેં એમના પગ પર હાથ મૂકી કહ્યું હતું કે જેમ આજ સુધી કરતો'તો તેમ જ મરતાં સુધી ભાઇની ને બહેનની ચાકરી કરીશ, ત્યારે બાપુનો જીવ ગતે ગયો.' શાંતિલાલ કોદરના મોં પર તેની પ્રતિજ્ઞાાની ભીષણતા અને ઉંમરના વધવા સાથે તેનો વધારે આગ્રહી વેગવાળો ધૂની થયેલો સ્વભાવ પણ જોઇ શક્યો. કોદરને હવે શાંતિલાલની ચાકરી સિવાય જીવનમાં કોઇ હેતુ રહ્યો નહોતો.

પિતા વિનાના ઘરમાં શાંતિલાલે ગંભીર પગલે પ્રવેશ કર્યો. પરમાણંદદાસના વખતમાં જેમ ચીજો ગોઠવાતી હતી તેમ જ બધું ગોઠવેલું હતું. માલતી પતિની ગંભીરતા સમજી ગઇ. ઘણી વાર પુરુષ ગમગીન થાય છે ત્યારે સ્ત્રી સ્વાભાવિક રીતે જ સ્ફૂર્તિમાં આવી પતિની આસપાસ સ્ફૂર્તિ