પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨

એવી કરુણાદ્ર શિષ્ય-વાણી.

'એ જી જેસલ !
'તમે રે હીરો ને અમે લાલ !
'એકી એ દોરામાં દોનું પ્રોવિયાં હોજી !'

એ પ્રેમોદ્ગાર.

ભજન-વાણીની એ ભાવેભાવમાં રમતી શક્યતા રાત્રિઓ પછી રાત્રિઓના નિસ્તબ્ધ પ્રહરોમાં આપણા શ્રવણે પડે છે. એના બોલ, લહેકા અને સંઘઝીલાતા સ્વરારોહો ને અવરોહો, કોઈ ઘુઘવતા મહેરામણની લહરમાળ જેવા આપણા પ્રાણને લહેરાવે છે. એના બોલ અને ધ્વનિ-ધાર જાણે નાદબ્રહ્મમાંથી નીતરતા હોય છે. સમૂહ-સંગીતની એમાં પરાકાષ્ટા છે. એ નાદબ્રહ્મની ઉપાસનાનું, પ્રત્યેક શનિવાર, પ્રત્યેક અજવાળી બીજ, આજના સર્વભક્ષી ધ્વંસની વચ્ચે પણ, કાવ્ય-સંજીવિની છાંટતું અક્કેક પર્વ છે.

'એકતારો' નામ કેમ?

ભજન-વાણીનાં એ તંતુઓ પકડવાને મારો પ્રયાસ વધુ મજબૂત બન્યો છે. એના પ્રયોગ મેં 'મુંબઈની શરાબબંધી’ જેવી કે ઠક્કર બાપાની એકોતેરમી જન્મ-જયંતી જેવી પર્વણી માટે કર્યા છે. 'તકદીરની ત્રોફનારી’નું નિગૂઢ રૂપક મેં એ ભજન-પ્રયોગમાં ઢાળ્યું છે, ને છેલ્લે તે ‘ધણીને દ્વાર’ જઈ આ પ્રયોગ 'સંહારના સ્વામી’માં વિરમ્યો છે. વીસેક આમાં ભજનો છે, બાકીની જૂજવી રચનાઓ છે, એ સર્વના નાનકડા સંગ્રહને “એકતારો’ એવું નામ આપવામાં મેં મારાં મુખ્ય નવાં વલણોને અગ્રપદ આપ્યું છે.