પૃષ્ઠ:Gamdani vahare.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિત્યની હાજતોને સારુ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે હવાપાણી, રસ્તા વગેરે ન બગડે. દરેક ગામનાં લોકોમાં પોતાનાં અન્ન વસ્ત્ર ગામમાં જ પેદા કરવાની અથવા બનાવવાની શક્તિ હોવી જોઈએ, અને ચોર લૂંટારા વ્યાઘ્રાદિના ભયની સામે બચાવ કરવાની શક્તિ હોવી જોઈએ. આમાંનું ઘણુંખરું એકવેળા હિંદુસ્તાનનાં ગામડાંમાં હતું. જે ન હતું તેની તે વખતે જરૂરિયાત ના હોય એવો સંભવ છે. હોય અથવા ન હોય, છતાં મેં ઉપર વર્ણવી છે એવી ગામની વ્યવસ્થા હોવી જોઈએ એ વિષે કોઈ શંકા નહિ કરી શકે. આવાં ગામડાં જ સ્વાશ્રયી કહેવાય; અને જો બધાં ગામડાં એવાં હોય તો હિંદુસ્તાનને બીજી થોડી જ ઉપાધિઓ પીડી શકે.

આવી દશા આણવી એ અશક્ય તો નથી જ, પણ આપણે ધારતા હઈશું એવું મુશ્કેલ પણ નથી. હિંદુસ્તાનમાં સાડાસાત લાખ ગામડાં છે એમ કહેવાય છે. એટલે એક ગામડાને વસ્તી સરેરાશ ૪૦૦ થવા જાય. ઘણાં ગામડાંમાં ૧૦૦૦થી ઓછી જ વસ્તી છે. મારી દૃઢ માન્યતા છે કે આવી નાનકડી વસ્તીવાળાં ગામડાંમાં સારી વ્યવસ્થા કરવી એ ઘણું સહેલું છે. તેને સારુ મોટાં ભાષણોની