પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૭
શાકાહારી મિશનરીઓની મંડળી


આવી અકુદરતી જીવનની રીતનું બીજું વિચિત્ર છતાં દુ:ખદ પરિણામ એવું આવ્યું છે કે હિંદી વસ્તી જે પણ ૪૦,૦૦૦ની છે તેની સામે ઘણો ઊંડો પૂર્વગ્રહ કેળવાયો છે. હિંદીઓ શાકાહારી હોવાથી કોઈ પણ જાતની મુશ્કેલી વગર સહેજે ખેતીમાં મંડી પડે છે. કુદરતી રીતે તેથી આખાયે સંસ્થાનમાં નાનાં નાનાં ખેતરો હિંદીઓની માલકીનાં હોઈ તેમની તીવ્ર હરીફાઈને કારણે ગોરી વસ્તીને ભારે અપમાન લાગે છે. આમ કરીને ગોરાઓ ગંજીના કૂતરાની આત્મઘાતક નીતિ લઈ બેઠા છે. દેશમાંનાં ઘણાં બહોળાં ખેતીને લગતાં સાધનોની ખિલવણી હિંદીઓ કરે તેના કરતાં તેમને જેવાં ને તેવાં પડતર રહેવા દેવાનું તેઓ બહેતર ગણે છે. આવી જડતા અને ટૂંકી દૃષ્ટિને લીધે આજના કરતાં બમણી તો શું, ત્રણગણી સંખ્યાના યુરોપિયનો તેમ જ હિંદી રહેવાસીઓને સહેજે નભાવી શકે એવું સંસ્થાન યુરોપિયનો ને હિંદીઓની ૮૦,૦૦૦ની સંખ્યાને જેમ તેમ નભાવે છે. ટ્રાન્સવાલની સરકાર પોતાના આવા પૂર્વગ્રહમાં એવી ઊંડી ઊતરી ગઈ છે કે આખાયે પ્રજાસત્તાક રાજયની જમીન ઘણી રસાળ હોવા છતાં રાજયનો પ્રદેશ ધૂળના રણ જેવો વેરાન રહે છે, અને સોનાની ખાણોનું કામકાજ કોઈક કારણસર અટકી પડે તો હજારો માણસો બેકાર થઈ પડયા વગર અને અક્ષરશ: ભૂખે મરી ગયા વગર રહે નહીં. અહીં એક મોટો ધડો લેવા જેવો નથી કે? માંસાહારના રિવાજો એ ખરેખર અહીંના સમાજની પ્રગતિને પાછી પાડવાનું વલણ દાખવ્યું હોઈ જે બે મહાન કોમો વચ્ચે એકતા હોવી જોઈએ અને જે બન્નેએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ તેમની વચ્ચે ભેદ ઊભો કર્યો છે. વળી, આ પણ એક ધ્યાનમાં લેવા જેવી હકીકત છે કે સંસ્થાનમાં હિંદીઓ યુરોપિયનો જેવું સારું આરોગ્ય ભોગવે છે અને મને ખાતરી છે કે યુરોપિયનો અને તેમનાં માંસ રાંધવાનાં વાસણો સાથેની તેમની વૈભવી માંસાહારની આદતો ન હોય તો ઘણા દાક્તરો ભૂખે મરી ગયા હોત અને તે ઉપરાંત પોતાના શાકાહારના રિવાજને લીધે તેમની કરકસરની તેમ જ કેફી પીણાંઓથી મુક્ત રહેવાની ટેવો કેળવાઈ છે તેને પરિણામે હિંદીઓ યુરોપિયનો સાથે સફળપણે હરીફાઈ કરે એવા છે. અલબત્ત, સંસ્થાનમાંના હિંદીઓ કેવળ શાકાહાર કરવાવાળા નથી એટલું ખ્યાલમાં રહેવું જોઈએ. તેમને વહેવારુ દૃષ્ટિથી શાકાહારી ગણી શકાય.

પાઈનટાઉન ગામની પાસે આવેલી મૅરિયાન ટેકરીના ટ્રૅપિસ્ટો ઉપર કહેલી વાતની કાયમની સાબિતી છે તે આપણે તરતમાં જોઈશું.

પાઈનટાઉન એક નાનું ગામડું છે અને રેલવેને રસ્તે ડરબનથી સોળ માઈલના અંતર પર આવેલું છે. તે દરિયાની સપાટીથી ૧,૧૦૦ ફૂટની ઊંચાઈએ હોઈ તેની આબોહવા ઘણી ખુશનુમા છે.

ટ્રૅપિસ્ટોનો મઠ પાઈનટાઉનથી લગભગ ત્રણ માઈલને અંતરે છે. હું અને મારો સોબતી મૅરિયાન ટેકરી સુધી ચાલીને ગયા. જેના પર મઠ આવેલો છે તે ટેકરીનું અથવા કહો કે ટેકરીઓના જૂથનું એ નામ છે હરિયાળીથી છવાયેલી એ બધી ટેકરીઓ વચ્ચેથી ચાલીને જતાં મનને ઘણો આનંદ આવે છે.

વસવાટને સ્થળે પહોંચતાં મોઢામાં ચૂંગીવાળા એક ગૃહસ્થ અમારા જોવામાં આવ્યા અને અમે તરત સમજયા કે એ ભાઈ મઠમાં રહેવાવાળા સાધુઓની મંડળીમાંના નથી. છતાં તે ભાઈ અમને મુલાકાતીઓ માટે રાખવામાં આવેલા ખંડમાં લઈ ગયા. એ ખંડમાં મુલાકાતીઓએ જે જણાવવું હોય તે લખવાને માટે એક ચોપડો રાખવામાં આવેલો હતો, તે ચોપડો જોતાં જણાયું કે તેની શરૂઆત ૧૮૯૪ની સાલથી કરવામાં આવી હતી અને તેમાં માંડ વીસ પાનાં લખાણથી