લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
ઘાશીરામ કોટવાલ.

નાના ફર્દનિવીશને યાદી લખી રેસિડેંટ સાહેબે મોકલી, ને તેની સાથે નુરબેગમને પણ રવાને કરી. ને એને વિષે શી રીતે ફેસલો થયો તે જાણવા સાર લખી મોકલવાનું લખ્યું. તે યાદી ફર્દનિવીશના હાથમાં ગયા પછી, તેણે કોટવાલને બોલાવી તેને બતાવી. કોટવાલે જઈને સઘળો મજકુર ખોટો છે એવો જવાબ દીધો. તે ઉપરથી હીરામણ પોપટ તમારા ઘરમાં કેટલા છે ? એવું ફર્દનિવીશે પૂછ્યું. આપ આગળ ગઈ કાલે જે વિષે તારીફ કરી હતી તે એક જ છે, એવું ઘાશીરામ બોલ્યો. ફર્દનિવીશે તે પોપટનું પિંજરું મંગાવાનું કહ્યું. તે ઉપરથી હીરામણ પોપટને લાવ્યા. તે વખત તમારે વચ્ચે કાંઈ બોલવું નહીં, એવું ઘાશીરામને કહીને હીરામણને પાસે મંગાવીને નુરબેગમ તરફ અાંગળી દેખાડીને “એ વાત કહે છે તે ખરી છે કે કેમ ? ફર્દનિવીશે એવી રીતે પક્ષીને પૂછ્યું. એટલે “હા, ખરી છે, હા, ખરી છે,” એવું તે બોલ્યો. તે વખત સઘળા હસી પડ્યા, ને કોટવાલ તરફ જોવા લાગ્યા. તે ઉપરથી કોટવાલને ગુસ્સો આવવાથી આ પોપટને લુચ્ચાઓએ ફોસલાવ્યો છે, એવું કહીને હાથમાં લાકડી હતી તે હીરામણના માથા ઉપર મારી, તેથી તે ડાંડી ઉપરથી નીચે પડીને તરફડીને તુરત મરણ પામ્યો. ત્યારે ફર્દનિવીશ તથા બીજા સઘળા લોકોને નુરબેગમની ફરીઆદ ખરી લાગી. પોપટને વધારે વાત પૂછવાની હતી; પણ તે મરણ પામ્યો. ઘાશીરામને નુરબેગમનું મન મનાવવું પડ્યું.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૧૪.

એક હૈદરાબાદનો રહેનાર સમશેરખાન મુસલમાન, ઘાશીરામને નિજામના વૈભવ વિષેની વાત કહેતો હતો. તેના જનાનખાનામાંની પાંચસો ઉપરાંત ઘણી જાતની ઓરતોની તેણે તારીફ કરી. તે વખત વંગૈર નામનો એક ડચ (વલંદો) ત્યાં હતો. તે બોલ્યો કે તમે ફક્ત જનાનખાનાની જ વાત કહો છો; પરંતુ અમે તો મર્દાનખાનાં જોયાં છે. તે ઉપરથી આગળ બોલવું થયું તે:-

ઘા૦— મર્દાનખાનું એટલે શું ?

વંગૈર— બાદશાહ તથા નવાબ વગેરે જેમ એારતો એકઠી કરી તેએાને એક મહેલમાં રાખે છે, તે પ્રમાણે સ્ત્રીના રાજ્યમાં સ્ત્રીઓ, જવાન તથા સુંદર પુરુષો એકઠા કરી તેઓને એક ઠેકાણે રાખે છે, તેને મર્દાનખાનું કહે છે.