પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘કેમ ?’

‘એમાંની એકેય મિલકત પ્રકાશશેઠને નામે નહીં રહી હોય.’

‘ત્યારે મધુ શેઠાણીને નામે હશે ?’

‘ના, એ તો મુલતાનીઓને ઘેરે ગીરો મુકાઈ ગઈ હશે.’

‘મુલતાનીને ઘેરે ?’

‘હા, પણ એક જ મુલતાનીને ઘેરે નહિ.’

‘ત્યારે બે-ત્રણ મુલતાનીઓએ ભાગીદારીમાં બધું ગીરો રાખ્યું હશે ?’

‘ના, ના, પ્રકાશશેઠે એક જ મિલકત ઉપર ચચ્ચાર મુલતાનીઓ પાસેથી હૂંડીઓ લીધી હશે.’

‘અરે૨૨ ! તો તો એ મુલતાનીઓ પણ રોવાના.’

‘એ જ લાગના છે એ. દસ દસ ટકા વ્યાજ કાંઈ અમસ્તાં ખવાય છે ?’

લેડી જકલ હજી પણ છાપાંમાંથી મથાળાં વાંચી રહ્યાં હતાં : ‘ચમકના સટ્ટાએ સરજેલી પાયમાલી… હાય રે ! પ્રકાશશેઠ, આવો સટ્ટો ન કર્યો હોત તો !’

‘પણ એમને કરોડપતિમાંથી અબજોપતિ થવું હતું.’

સેવંતીલાલે આવીને કહ્યું :

‘સાહેબ, પ્રકાશશેઠ જોડે પેલી જીપમાં આવેલ ગોરમહારાજ ઉતાવળા થાય છે. કહે છે કે અમૃત ચોઘડિયું વીતી ગયું ને હવે ઉદ્વેગ શરૂ થઈ ગયું છે.’

‘એને કહો કે અમૃત કે ઉદ્વેગ કોઈ ચોઘડિયું નથી રહ્યું હવે તો કાયમનું કાળ ચોઘડિયું જ છે.’

‘પેલો જીપવાળો તો પોતે જ તોરણે આવ્યો હોય એટલો ઉતાવળો થાય છે.’

‘એને પણ માનભેર વિદાય કરી દો. કહી દો કે પ્રકાશશેઠ પાછલે દરવાજેથી ઘરભેગા થઈ ગયા છે. માટે તું પણ જલદી ઘરભેગો થઈ જા.’