પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રલય પહેલાં
૩૯
 


પેલા તમારા મોટા મહાત્મા સરસ્વતીચન્દ્રે તો કુમુદસુંદરીને ૨ઝળાવી. ત્યારે પ્રમાદધને ભલા જીવે એનો હાથ ઝાલ્યો એટલો એનો ઉપકાર તો ગણો ! એટલે જ તો કુમુદસુંદરી કહ્યા કરતી હતી કે પ્રમાદધન મુજ સ્વામી સાચા.’

‘અરે, આ ગ્રહાષ્ટકની સામી ઝાળ લગ્ન જેવા શુભ કાર્યની વાત જ ન કરાય.’ ગિરજાએ કહ્યું.

પ્રમોદરાય એટલે પ્રકાશ ઔદ્યોગિક જૂથના વારસદાર. દેશના ઔદ્યોગિક ક્ષેત્રે બળિયા જોધ્ધા બે જેવાં બે ઔદ્યોગિક જૂથો કામ કરતાં હતાં : ભગનજૂથ અને પ્રકાશજૂથ. દેશની નેવું ટકા મિલકત અને રાષ્ટ્રીય આવક આ બે જૂથોની તિજોરીમાં જ ઠલવાતી હતી. સર ભગનના મનની મુરાદ એવી હતી કે તિલ્લોત્તમા પ્રમોદરાયને પરણે અને એ રીતે આ બેઉ ઔદ્યોગિક જૂથો સંલગ્ન થઈ જાય તો રાષ્ટ્રની પેલી નેવુંયે નેવું ટકા આમદાની બે કુટુંબની તિજોરીઓમાં વહેંચાઈ જવાને બદલે આખરે એક જ તિજોરીમાં જમા થઈ રહે.

સર ભગન હજી આ યોજનાના અમલને પંથે હતા એવામાં શ્રીભવનમાં અને તિલ્લુના જીવનમાં કથકલિનર્તક કંદર્પકુમારે પ્રવેશ કર્યો. અને લગનમાં વઘન જેવું થઈ પડેલું. સર અને લેડી બેઉની ઊંધ હરામ થઈ ગયેલી. એ તો વળી ઈશ્વરે તિલ્લુને સદ્‌બુદ્ધિ સુઝાડી તે એણે છેલ્લી ઘડીએ કંદર્પકુમારને સમુહોર્તમ્ શુભ લગ્નમ્‌ના શુકનવંતા શ્રીફળને બદલે પ્રેમવિચ્છેદનું પાણીચું જ પરખાવી દીધું. અને એ નટરાજનો આ બંગલામાંથી કાયમને માટે ટાંટિયો કાઢ્યો, ત્યારે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. સર ભગને પુત્રીને પોતાની કાયદેસરની વારસ બનાવી દીધી. હવે એ પ્રમોદરાય જોડે પરણે તો ભગન ઔદ્યોગિક જૂથની સઘળી અસ્કયામત એ કરિયાવરમાં જ લઈને જાય, એવો સુંદર ઘાટ બૅરિસ્ટર બુચાજીની કાનૂની સલાહ અનુસાર ઘડાઈ ગયો.