પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
ગ્રહાષ્ટક વત્તા એક
 

મીનમેખ ન થાય.’

‘અરે, તે દહાડે જે થવાનું હોય તે ભલે ન થાય. પણ તમે તો આ વિલ કર્યું છે તે દહાડાથી ધરાઈને ધાન નથી ખાતા, ને કાલનો દુકાળ આજે જ પાડીને હાયબળતરા કરી રહ્યા છો.’

‘હવે આ હાયબળતરા બહુ ઝાઝા દિવસ ભોગવવાની નથી. પાંચમી તારીખે જ આપણને સહુને શાન્તિ થઈ જશે, કાયમની શાન્તિ.’

‘પણ તો પછી આવડો માટે જગન શા માટે માંડીને બેઠા છો ?’ લેડી જકલે શ્રીભવનનો લશ્કરી છાવણી જેવો દેખાવ નિર્દેશતાં પૂછ્યું.

‘એ પણ શાન્તિ અર્થે જ છે.’

‘કોની ?’

‘ગ્રહની. આઠેઆઠ ગ્રહની શાન્તિ અર્થે આ યજ્ઞ કરવાનો છે. એ ગ્રહો શાન્ત થાય તો પૃથ્વી પ્રલયમાંથી ઊગરી જાય. વિમલ તળાવ ફાટતું બચી જાય.’

‘બળ્યા એ તમારા અષ્ટગ્રહ.’

‘અરે અરે ! આ શું બોલી ગયાં તમે ? ગ્રહદેવતાઓને વધારે કોપાયમાન કરવા છે?’

‘પેટે બળતાં બોલાઈ જવાય.’

‘શું પેટમાં બળ્યું તમને?’

‘મારી એક પૂરી દીકરીનું જીવતર. સગી જનેતાને પેટમાં ન દાઝે તો બીજા કોને દાઝે ?’

‘તે તિલ્લુ તમારી દીકરી છે, ને મારી નથી ?’

‘છે, પણ તમને તો મંગળ ને ગુરુ ને રાહુ ને એવાએવા ગ્રહોની શાન્તિ કરવાની જ લહાય લાગી છે.’

‘ને તમને ?’