પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

આ ત્રણે સંપ્રદાયની સમજ આપ્યા પછી એક વિવાદગ્રસ્ત મુદ્દો છેડે છે. વાચિક વિના જો અભિનય થઈ શકતો હોય તો 'આહાર્યા' વિના તો કેમ થાય ? અભિનયમાં વેશભૂષા, મેકપ, રંગભૂષા, વસ્ત્રપરિધાન આદિ વિના અભિવ્યક્તિ કરી શકાય છે તે બદલ સરકારે નાટકો ભજવીને સાબિત કરી દીધું છે. અહીં ધીરુભાઈ ઠાકર કહે છે કે 'આહાર્યની માફક વાચિકનો સદંતર ત્યાગ થઈ શકતો નથી. કેવળ મૂક અભિનયનો આશ્રય લેનાર નાટકની એક જ બાજુ હલનચલન અને આંગિક ચેષ્ટાઓ પર જ ભાર મૂકે છે. તે નૃત્યને માટે વધુ અનુકૂળ છે. વાચિક-આંગિકના અદ્વૈતમાંથી જ આદર્શ નાટ્યનિર્માણ થાય છે એ ભૂલવું ન જોઈએ' સ્તાનિસ્તાવસ્કીના નાટ્યસિદ્ધાંતોને આધારે આગળની ચર્ચા તેમણે વિકસાવી છે. આ પ્રકરણમાં નટની સજ્જતાનાં લગભગ બધાં અંગોનો વિચાર તેમણે કર્યો છે. બાકી રહે છે તે આહાર્ય અભિનય : તેના વિશે તેમણે કહ્યું છે કે તે મારા ક્ષેત્રની અને સજ્જતાની પણ બહાર છે અને આ યોજનામાં પ્રસ્તુત પણ નથી પાંચમા પ્રકરણમાં 'નાટક અને પ્રેક્ષક'માં પ્રેક્ષક એ નાટ્યપ્રયોગમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, એ ચેતનાનો ધબકાર ઝીલતો સામેનો છેડો છે. પ્રેક્ષકનું મહત્ત્વ અતિ ઘણું છે એમ માને છે. 'નાટ્ય દર્પણ'માં પ્રેક્ષકોને નચાવે તે નાટક' એવી નાટકની વ્યાખ્યાથી સિદ્ધ થાય છે કે નાટક એ પ્રેક્ષકો માટે છે એમ કહ્યા પછી પ્રેક્ષકે કેળવવાની શક્તિ વિશે અને સર્જાતા વિશે વિગતે ચર્ચા કરે છે. નાટક પ્રેક્ષક વિના શક્ય નથી એમ તેઓ માને છે તે યોગ્ય જ છે. પ્રેક્ષકોના વિવિધ પ્રકારો તેમણે ગણાવ્યા છે તેમાં એક તો નાટ્યવિદ્, નાટકના રસમાં ખેંચાતો વર્ગ અને ત્રીજો સંઘર્ષાત્મક ક્રિયામાં જ રસ ધરાવતો. આમ પ્રેક્ષક તો અનેકવિધ હોવાના નાટકની સાથે – નટ સાથે પ્રેક્ષકનો જીવંત સંબંધ હોવાથી બન્ને પરસ્પર પર પ્રબળ અસર છોડી જાય છે.

પ્રેક્ષક-નટના સંબંધની ચર્ચા કરતાં જ તેમણે નાટ્યવિવેચક વિશે પણ વાત કરી છે. આપણી રંગભૂમિની નબળાઈનું એક મહત્ત્વનું કારણ તેમણે નાટ્યવિવેચન નથી તેને ગણ્યું છે. 'આપણી થિયેટર પ્રવૃત્તિ નબળી રહી તેનું એક કારણ તટસ્થ નિષ્ણાતો દ્વારા નાટ્યવિવેચન થયું નથી તે છે. નાટ્યવિવેચન થાય છે તોપણ મહદ્અંશે પ્રત-આલેખની સમીક્ષા પૂરતું સીમિત હોય છે. ધીરુભાઈ ઠાકરે પણ કેટલાક ગ્રંથાવલોકન આપ્યાં છે. 'નાટ્યકલા'માં પણ તેમણે ખરેખર તો સિદ્ધાંતવિવેચન જ આપ્યું છે. આ પુસ્તક એ રીતે પાઠ્યપુસ્તકની ગરજ સારે તેવું છે.

ચુનિલાલ મડિયા (૧૯૨૨-૧૯૬૮)

'ગ્રંથગરિમા'માં ૧૫ લેખો – નાટ્યવિષયક – કર્યા છે. 'નાટક ભજવતાં પહેલાં'એ નાટ્યતાલીમને લગતી પરિચય પુસ્તિકામાં આઠ મુદ્દામાં નાટ્યવિચારથી