નકામો પ્રેમને બદનામ શાને તું કરે ' આસિમ' ?
ખબર છે? રૂપ પોતે પ્રેમ-ચાહક છે સનાતનથી !
પ્રણયલગનીની અગ્નિથી જે હો અજ્ઞાત શું જાણે?
તને લાગી નથી દિલમાં, તું દિલની વાત શું જાણે?
પ્રભુને શોધનારા, મારો ઉલ્કાપાત શું જાણે?
ખબર જેને નથી ખુદની પરાઈ વાત શું જાણે ?
મરણ-જીવનના ભેદો, તુચ્છ માનવજાત શું જાણે?
પ્રભુ ! મુજ એક દિલ, બે બે જગતની વાત શું જાણે?
ઉભય શાને હસે છે ને રડે છે રોજ ઉપવનમાં;
રવિ–કિર્ણો કળી–ઝાકળના દિલની વાત શું જાણે?
કરું છું કલ્પનામાં કોઈથી દિન રાત હું વાતો;
મને દિવાના કહેનારા, ભલા એ વાત શું જાણે?
પ્રણયમાં દર્દને જે દિલ ગણી જીવન–મતા સમઝે;
પછી એ દર્દનો રોગી દવાની વાત શું જાણે?
મુહબ્બતમાં ગણું છું મોત ને પણ ઝિન્દગી હું તો;
નફાને ખોટ ગણનારો નફાની વાત શું જાણે?
જગતને બૂરું કહું છું, તમે સારામાં સારા છો;
બૂરો જે હોય, તે સારાની સારી વાત શું જાણે?
ખુદાઈ શું? ખુદાને બેખુદીમાં જોઉં છું 'આસિમ';
ખુદીવાળા, અમારી બેખુદીની વાત શું જાણે?