તો પણ 'જખ્મ' જો કારી અને આત્મા પરનો હોય તો તે 'જખ્મ'નું 'દર્દ' તે કદાપિ વીસરી શકે નહિ. મુમુક્ષુ જેવો સંસ્કારી તેવી આત્મોન્નતિમાં તેની ગતિ અને પ્રાપ્તિ. પ્રેમના પ્રવાસીને હૃદયાન્તરમાં ઊંડો 'જખ્મ' થયેલ હોવો જોઈએ— ખરા મુમુક્ષુને જ્ઞાનની તૃષા–પ્રભુપ્રાપ્તિની તીવ્ર વાંછના એટલી બધી આર્ત હોવી જોઈએ કે તે બધા અનિત્ય પદાર્થોની અસત્યતા પૂરેપૂરી સમજીને તેનાથી નિવૃત્ત થયેલો હોવો જોઈએ અને એવો માત્ર પ્રેમનો જ પિપાસુ–ઈશ્કનો આશક–પ્રેમબ્રહ્મના ચિંતવન સિવાય બીજી બધી જ બાબતોમાં સ્વાભાવિક રીતે જ બેદરકાર હોય છે. પ્રેમ જેને સૂફીઓની પરિભાષામાં 'શરાબ' કહેવામાં આવે છે, તેનું ઉમેદવાર દિલ દુનિયાની ચલિત ચીજોની કિંમત ફૂટલી કોડી જેટલી પણ ગણતું નથી; તે તો ફક્ત હૃદય અને હૃદયાન્તરની પ્રેમોર્મિ, આત્મભાવના અને આત્માનુભવને અધીન રહી પ્રેમબ્રહ્મની આન્તર બંસીના સૂર પર નૃત્ય કરતું ઊંડાણમાં ને ઊંડાણમાં આગળ વધતું જ હોય છે.
*[૧] 'તઝ્કિરાત-ઉલ-ઔલિયા' માં જણાવ્યા પ્રમાણે એક જ્ઞાની મહાત્માએ એક સૂફી મઠની મુલાકાત લેતાં જણાવેલું કે, 'આખી દુનિયાનું ઈશ્વરવિષયક જ્ઞાન એકત્ર કરીએ તો પણ મારા જ્ઞાનની બરાબર થઈ શકે નહિ. તે છતાં, મારું પોતાનું જ્ઞાન પણ સૂફીઓ સાથે સરખાવતાં ઓછું છે.' મહાત્મા ઇમામ અહમદના શિષ્યોએ સૂફીઓ તરફ આક્ષેપ કરતાં તેમને માટે કહેલું કે, 'તેઓ માત્ર અંધશ્રદ્ધાને અનુસરે છે અને તેમનામાં પ્રકાશની ન્યૂનતા છે.' મહાત્મા ઈમામે જવાબ દીધો કે, 'નહિ; તેઓનામાં
- ↑ *'તઝ્કિરાત્–ઉલ—ઔલિયા' ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે 'મુસ્લિમ મહાત્માઓ' એ નામે પ્રકટ કર્યો છે. એમાં મહાતપસ્વિની રબિયા, મહાતપરવી જલાલુદ્દીન વગેરે ૯૬ સૂફી સંતનાં જીવનચરિત્રો ને બોધવચન આપેલાં છે–પ્રકાશક)