'મુઝકો દેખો, મૈં ક્યા હૂં તન તન્હા આયા
'મતલા-એ-નૂરે ખુદા હૂં: તન તન્હા આયા
* * *
'હૂં ભી, હાં ભી અનલ્હક હૈ, યહ ભી મંજલ અપની:
'શમ્સે ઇર્ફા કી જિયા હૂં તન તન્હા આયા હૂં.'
કલાપી એક મિત્ર ઉપરના પત્રમાં લખે છે કે, ફારસી અને ઉર્દૂ લેખકોનું હૃદય તેમને સાચું (સિનસિયર) અને બહુ પવિત્ર લાગે છે; એમનું એ કહેવું સૂફીઓની હાલમસ્ત અને લીન દશા પરથી આપણને સ્પષ્ટ થાય છે. પરમાત્મદર્શન માટે સૂફીનો તરફડાટ સાચો અને વસ્તુ પામવાને પાત્ર હોય છે. તેને માલૂમ છે કે,
'નેસ્તી હસ્તી હય, યારો ! ઔર હસ્તી કુછ નહીં:
બેખુદી મરતી હય, યારો ! ઔર મસ્તી કુછ નહીં.'
અને એવી દ્રઢ પવિત્રતાથી આત્મરત રહેનારને જ દિવ્ય નિજાનંદ અનુભવાય છે.
'આજ ઝાંખી થઈ કંઈ યારની છે હરિ ! હરિ !
'મતિ, આંખડી જાદુગારિયે છે હરી હરી !
'નિર્મળ તને પરિમળ બહેકી ઊડે ગગન !
'ખુશબો ઈરમ ગુલઝરની છે હરી હરી !”
(બાલ; ગૂ. ગ , પૃ. ૧૪)
આ ઉદ્ગારો એવી જ લીનતાનું પરિણામ નિરૂપે છે અને તે કાયમ અનુભવના ન છતાં, એક વાર આત્મામાં પ્રત્યક્ષ અનુભવાયેલા છે, એ તો ચોક્કસ છે.
પ્રો. મણિલાલના પણ એવા ઉદગારો છે:
'અન્તર આંટી તૂટી ગઈ રે,
'ભાગી ભેદ ભ્રમણની ભ્રાન્ત રે;
'બધે દરશન આપને આપનાં રે–
'સન્તો-ગીત અભેદનાં ગાઈએ રે.