લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૫
નવો વિક્ષેપ.

ભાવનાઓની પૂઠે પલાય છે, તથાપિ જ્ઞાનના પ્રકાશ વિનાજ તું આ રીતે અથડાઈ પડ્યો છે. તારા હૃદયની અગાધ એક્તાનતા અને ભક્તિએ તને સિદ્ધિને શિખરે પહોંચાડ્યા છતાં જ્ઞાનના પ્રકાશની ન્યૂનતાથી તારો પગ ઉંડી ખીણોમાં નહિ તો ઉતળા ખાડામાં પણ લપસી જાય છે. શંકા અને ભય ઉપજાવનાર સંકોચ તને દબાવી શકે છે, સૌંદર્યની શોધના તાનમાં રાસ જોવા જતાં અન્ય સૌંદર્યના ક્ષોભથી આર્દ્ર થઈ જવાને પરિણામે તારે કેવો કલેશ ઉઠાવવો પડ્યો છે ! બસ ! અત્ર વધારે લખી શકાતું નથી.

મલિન સત્ત્વો તારા ઉપર અધિકાર પામ્યાં છે, તે તને છેતરશે, ફસાવશે. એક ક્ષણ પણ ખોયા વિના તુરત મારી પાસે આવ. મારીને તારી વચ્ચેનો ભાવ હજી પણ સિદ્ધ હશે તો તું મારી દૃષ્ટિએ જોઈ શકશે, અને હજી અપરિપક્વ એવાં તારાં ભાવિ દુઃખાદિને તું જોઈ નિવારી શકશે. માનુષસુખનાં બંધનમાત્ર કાપીને દોડ. એ સુખમાં તો તારી દિવ્ય દૃષ્ટિ જશેજ જશે. ભય ને આશા, તૃષ્ણા અને ભોગ, બધું મુકીને આવ, એકલો આવ, જે શુદ્ધબુદ્ધિસ્થાનમાં મન વસે છે ત્યાંથી તે હજી પણ આગળ જોઈ શકશે ?

પ્રકરણ ૪ થું.

નવો વિક્ષેપ.

ગુલાબસિંહ અને મા એકત્ર થઈ એકભાવના આનંદનો ઉપભેગ કરવા લાગ્યાં ત્યારથી આજ સુધીમાં આ પહેલો જ પ્રસંગ થયો કે જ્યારે એ બેને જુદાઈનું ઝેરી દુઃખ અનુભવવાનો સમય આવ્યો. ગુલાબસિંહ શ્રીનગર ગયો; ઘણાં અગત્યના કાર્ય માટે જવું પડ્યું. ‘થોડા જ દિવસમાં હું આવીશ’ એટલું કહીને એવી ઉતાવળથી એ ચાલી ગયો હતો કે આશ્ચર્ય કે ખેદનો સમય મળી શક્યો ન હતો. પરંતુ પ્રથમ વિયોગ તો, વાસ્તવિક રીતે હોઈ શકે તે કરતાં પણ અધિક દુઃસહ લાગે છે. પ્રેમ પ્રેમ સાથે જે એકભાવ અનુભવે છે તેમાં જુદાઈ થઈ, વિક્ષેપ પડ્યો, એક હતું તે બે થયું, એ ઉગ્ર તીવ્ર ક્રૂર વિષમભાવ મનને ન સમજાય તેવી રીતે પણ નિરંતર ચીરી નાખે છે; હૃદયને એમ લાગે છે કે આટલા વિયોગમાં આમ થાય છે તો હવે પછીના, અરે ! છેવટના, વિયોગમાં કેમ થશે ! પણ માને તો નૂતન સહચર પ્રાપ્ત થયો