પૃષ્ઠ:Halarada.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પે′લે માસે તે જાણ્યું અજાણ્યું રે. હરનું હાલરડું,
બીજે માસે તે હૈયડામાં જાણ્યું રે ગોવિંદજીનું હાલરડું.

ત્રીજે માસે સૈયરને સંભળાવિયાં રે, હરનું હાલરડું,
ચોથે માસે તે ચૂરમાંના ભાવા રે ગોવિંદજીનું હાલરડું.

પાંચમે માસે તે પંચમાસી બાંધી રે, હરનું હાલરડું,
છઠે માસે તે મૈયર કાગળ મેલ્યા રે ગોવિંદજીનું હાલરડું.

સાતમે માસે તે ખોળલા ભરિયા રે, હરનું હાલરડું
આઠમે માસે મૈયરીએ વળાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.

નવમે માસે તે કાનકુંવર જલમિયા રે, હરનું હાલરડું,
સોના-છરીએ તે નાળ વધેર્યા રે ગોવિંદજીનું હાલરડું.

એ તો રૂપલાની કોશે ભંડાર્યા રે, હરનું હાલરડું,
પાણી સાટે દૂધડીએ નવરાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.

હીર સાટે તે ચીરમાં વીંટાળ્યાં રે, હરનું હાલરડું,
ચોખા સાટે મોતીડે વધાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.

બાર વાસાનું બાળક બોલિયું રે, હરનું હાલરડું,
માડી મને રમકડાં લૈ આલો રે ગોવિંદજીનું હાલરડું.

સોનાગેડી ને રૂપલા દડૂલિયો રે, હરનું હાલરડું,
જળ જમનાને કાંઠડે દોટાવ્યો રે ગોવિંદજીનું હાલરડું.

આપણે આંગણીએ
[બહેન નાના ભાઈને માટે ગાય છે.]

એક નાનું સરીખડું બાળ રે મા !
આવ્યું છે આપણે આંગણીએ.
એને નમ્યેથી પ્રાછત જાય રે મા!
આવ્યું છે આપણે આંગણીએ.
એને માથે મેવાડાં મોળિયાં,
એને ખંભે ખાંતીલા ખેસ રે મા.-આવ્યું છે.૦
એને કાને તે કુંડળ ઝળકંતાં,
કોટે કૌસ્તુભમણિનો હાર રે મા.-આવ્યું છે.૦

હાલરડા
૨૪૧