પૃષ્ઠ:Hind Swaraj.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવ્યો. હિંમતવાન મટી નાહિંમત બન્યા. આમાં કંઈ વધારેપડતો ચિતાર નથી આપ્યો, એમ તમે ધીરજથી જોઈ શકશો. આ એક સાધન.

હવે બીજું સાધન તપાસીએ. ચોરને તમે અજ્ઞાન ગણ્યો, કોઈ વેળા લાગ આવશે તો તમે તેને સમજાવવા ધાર્યું છે. તમે વિચાર્યું કે તે પણ આદમજાત છે. તેણે શા હેતુથી ચોરી કરી તે તમે કેમ જાણો ? તમારો સારો રસ્તો તો એ જ છે કે, જ્યારે સમય આવશે ત્યારે તમે તેનામાંથી ચોરીનું બીજ જ કાઢશો. આમ તમે ખ્યાલ કરો છો તેવામાં તો ભાઈસાહેબ પાછા ચોરી કરવા આવ્યા. તમે ગુસ્સે ન થયા. તમે તેની ઉપર દયા ખાધી. તમને લાગ્યું કે આ માણસ દરદી છે. તમે બારીબારણાં ખુલ્લાં મૂક્યાં. તમે સૂવાની જગ્યા બદલી. તમારી જણસો ઝટ લેવાય તેમ રાખી. ચોર આવ્યો. તે ગભરાયો, આ તો તેણે નવું જોયું. માલ તો લઈ ગયો,

૧૪૨