લખાણ પર જાઓ

પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ શ્રેષ્ઠ ? શૂદ્ર ? : ૮૯
 


આસપાસ રહેતા હતા; ક્ષત્રિયો વાંટાને નામે ઓળખાતા વિભાગમાં રહેતા હતા, વૈશ્યો અવરજવરનો માર્ગ – વસ્તુઓની ખપતનો માર્ગ – જોઈ વિચારીને પોતાનું નિવાસસ્થાન બાંધતા, અને શૂદ્રોને તો ગામનો છેવાડાનો જ ભાગ મળે ને ? ઊંચ વર્ણ પોતાની પસંદગી કરી લે ત્યાર પછી શૂદ્રોએ પોતાનાં ઝૂંપડાં બાકી રહેલી જમીનમાં ઊભાં કરવાનાં અને સગવડ-અગવડ વેઠી ગામને છેવાડે રહેવાનું. એટલે શૂદ્રો તો ખાડાટેકરાવાળો ભાગ રહ્યો હતો તેના ઉપર વસી ગયા.

વર્ણ ભલે હોય ! વર્ણની જુદાઈ ભલે હોય ! પરંતુ પરસ્પરનું અવલંબન એ સાચામાં સાચી વસ્તુ બની રહેતું, બ્રાહ્મણને શૂદ્રોનો પણ ખપ અને વૈશ્યને ક્ષત્રિયનો પણ ખ૫. સંસ્કારકક્ષા સગવડ પ્રમાણે ભલે જુદી જુદી હોય, પરંતુ માણસાઈ અંગે અમુક અમુક ગુણલક્ષણ તો ચારે વર્ણમાં ઉદ્‌ભવ્યા સિવાય રહે જ નહિ. ગામનો શૂદ્રનિવાસ પણ પ્રમાણમાં ચોખ્ખો હતો. શૂદ્રોને વેદ ભણવાનો ભલે અધિકાર ન હોય છતાં શૂદ્રને પણ પ્રભુ કોઈ ને કોઈ સ્વરૂપે આછા પાતળા દેખાયા વગર ન જ રહે – પછી તે પીપળાના વૃક્ષનું સ્વરૂપ હોય, તુલસીનો પૂજનીય ક્યારો હોય કે પછી પથ્થરના પાળિયાનું સ્વરૂપ હોય. વેદની ઋચાઓ ભણનાર બ્રાહ્મણને વેદોચ્ચારથી જેટલો સંતોષ થાય એટલો જ આધ્યાત્મિક સંતોષ શૂદ્રોને પોતાના એક તારા સાથેના ભજનકીર્તનમાં પણ થયા જ કરે.

એ શૂદ્રનિવાસમાં તુલાધાર નામનો એક શૂદ્ર રહેતો હતો. બે ટંક શૂદ્રને ઘટતું સૂકું લુખ્ખું ખાવાનું મળે એટલી અંગમહેનત કરી એ પોતાનો વખત પ્રભુભક્તિમાં ગાળતો હતો. શાસ્ત્ર ભણ્યા વગર પણ પ્રભુ અણુઅણુમાં વસી રહ્યા છે એવો ભાવ તે અનુભવતો. પ્રભુને ધરાવ્યા સિવાય તે જમતો નહિ. ત્રણે ઉચ્ચ વર્ણની સ્થિતિ આર્થિક રીતે સારી એટલે તેમાંથી કોઈને સ્વાભાવિક રીતે જ ચોરી કરવાનું મન ન રહે. શૂદ્રોને તો બધી જ વસ્તુઓની ખોટ, અને સમાજ જેને ગુનો કહે એવી ઢબ સિવાય જોઈતી વસ્તુ મેળવવાનો બીજો માર્ગ જ નહિ, એટલે કદી કદી તેમનું વલણ એ તરફ વળે અને ઊંચી