પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“હું કોણ છું ?”

“હું શું જાણું ?”

હીરજીની આંખમાંથી દડદડ પાણી ગળ્યાં. દુનિયામાં વહાલામાં વહાલી જે એની વાલકી, તેના જ હૈયામાંથી હીરજી ભૂંસાઈ ગયો. એને ‘બાપો’ એવા ટૂંકા બે જ અક્ષરના બોલે બોલાવનારું છેલ્લી વેળાએ પણ કોઈ ન રહ્યું. એને એક જ દિલાસાની જરૂર હતી, કે વાલકી એને હંમેશાં યાદ કરશે. પણ વાલકીએ ય આજે એને વિસર્યો હતો.

એણે દીકરીને “વાલકી ! મારી વાલકી !” કહીને હૈયા સરસી ચાંપી. વાલકીને બીક લાગી. તોયે વાલકીને એણે છેલ્લી ચૂમી ભરી. એનાં આંસુ વાલકીના ગાલ પર પડ્યાં.

“મેલી દે મને. તારી દાઢી વાગે છે.” કહી વાલકી એના ખોળામાંથી ઊતરી ગઈ. ખિજાઈને વાલકીએ ગાલ ઉપરથી બાપનાં ખારાં આંસુ લુછી નાખ્યાં. એ દાદીમાની કને ચાલી ગઈ. ફરી વાર એણે બાપની સામે જોયું નહિ. સહુએ, દાદીમાએ પણ કહ્યું કે વાલકી, એ જ તારો બાપો છે. તો પણ વાલકીએ માન્યું નહિ. બાપનાં આંસુ એના મોંમાં ઊતર્યા, તે બહુ ખારાં લાગ્યાં.

બાપો કહે: “હવે લઈ જાવ વાલકીને.”

ડોશી અને વાલકી ગયાં. હીરજીએ જેલવાળાને કહ્યું: “બસ, હવે હું તૈયાર જ છું. જીવતો સળગાવવો હોય તોપણ હું તૈયાર છું.”

સહુએ એની પીઠ થાબડી, “રંગ છે તને, હીરજી !”

“હીરજી તો છાતીવાળો જુવાન છે.”

“અને ભાઈ હીરજી, એક વાર તો હરેકને મરવું જ છે ને ?”

આ શાબાશી અને આ દિલાસા હીરજીના દિલમાં કટાયેલા ખંજર જેવાં ભોંકાયાં.

એના હોઠ સુધી શબ્દો આવી ગયા: ‘એમ જ છે તો તમારામાંથી એક જણ આવી જાઓને મારે બદલે ! સફાઈ શીદ કરો છો ?’


લાશ મિલ જાયેગા !
109