પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 


પ્રાથમિક શિક્ષણ જયભિખ્ખુએ સૌરાષ્ટ્રમાં આવેલ બોટાદ અને તે પછી ઉત્તર ગુજરાતના વીજાપુર પાસેના વરસોડામાંથી મેળવ્યું. અંગ્રેજી ત્રણ સુધીનો માધ્યમિક અભ્યાસ અમદાવાદની ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાંથી કર્યો. ત્યાર પછી કેળવણીની તેમની દિશા ફઁટાઈ. સામાન્ય રીતે પરંપરાથી મેળવાતું માધ્યમિક અને કૉલેજશિક્ષણ લેવા તરફ તેઓ વળ્યા નથી. અંગ્રેજીના ત્રણ ધોરણ સુધીના માધ્યમિક શિક્ષણ બાદ મુંબઈ ખાતે મુનિશ્રી વિજયધર્મસૂરિએ સ્થાપેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ - જે વિલેપાર્લેમાં હતું - તેમાં સંસ્કાર-શિક્ષણાર્થે દાખલ થયા. મુંબઈની આ સંસ્થાએ સ્થળાંતર કર્યું ત્યારે તેની સાથે કાશી, આગ્રા અને છેવટે ગ્વાલિયર રાજ્યના વનશ્રીથી ભર્યાભર્યા શિવપુરીમાં સ્થળાંતર કરી આઠ-નવ વર્ષ સુધી સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્યનું અધ્યયન કર્યું. તેમની સાથે જ પિતરાઈ ભાઈ રતિલાલ પણ અભ્યાસરત હતા. શિવપુરીમાં બંને પિતરાઈ ભાઈઓ એટલા નજીક આવ્યા કે સહુ એમને સગા ભાઈ જ માનતા.

વીરતત્ત્વ પ્રકાશક મંડળની આ સંસ્થામાં રહીને જયભિખ્ખુએ જૈનતત્ત્વજ્ઞાન અને જૈનદર્શનનું ઊંડું અધ્યયન કર્યું. ત્યાર બાદ કલકત્તા સંસ્કૃત એસોસિએશનની ન્યાયતીર્થની પદવી સંપાદન કરી. શિવપુરી ગુરુકુળની ‘તર્કભૂષણ’ની પદવી પણ મેળવી.

‘ન્યાયતીર્થ’ની પરીક્ષા આપવા માટે જયભિખ્ખુ જ્યારે કલકત્તામાં આવ્યા ત્યારે ભાવિ જીવનના નકશા માટે મનમાં અનેક પ્રકારની ઊથલપાથલો ચાલતી હતી. જીવનનો કોઈ એવો રાહ પસંદ કરવો હતો જે કાંટાળો ભલે હોય પણ કોઈ ધ્યેયને ચિંતવતો હોય. એમાંથી ત્રણ નિર્ણયો થયા : નોકરી કરવી નહીં, પૈતૃક સંપત્તિ લેવી નહીં અને કલમના આશ્રયે જિંદગી વિતાવવી. જીવનના આરંભકાળે લીધેલા આ ત્રણ નિર્ણયોએ એમના પુરોગામી નર્મદ અને ગોવર્ધનરામની જેમ એમની પણ સારી એવી તાવણી કરી. પૈતૃક સંપત્તિ નહીં લેવાની પ્રતિજ્ઞાને સાચવવા જતાં નોકરી નહીં કરવાની પ્રતિજ્ઞા સાત-આઠ વર્ષ માટે વિસારે પણ મૂકવી પડી છતાં આ નિર્ણયોએ એમના ખમીરની કસોટી કરી જીવનમાં પ્રાણ રેડડ્યો.

જયભિખ્ખુનાં લગ્ન ઈ. સ. ૧૯૩૦ના મેં મહિનાની તેરમી તારીખે