પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૫૭
 

સામાન્ય જાગીરદારનો પુત્ર ફરીદ અને મંડોવરના જૈન શ્રાવકનો પુત્ર હેમુ - એક માળાના બે પરદેશી પંખી જેવા આ બંને - કાશીથી ૪૦ કોસ દૂર આવેલ યવનપુર-જોનપુરની મદ્રેસામાં સાથે ભણ્યા. એ વખતથી બંને વચ્ચે એક અજબ મૈત્રી બંધાઈ હતી. બંને એક મોંથી હસતા, એક આંખથી રોતા.

યુવાની જ્યારે ફરીદને બિહારના શાહને ત્યાં સિપાહી તરીકે અને હેમુને દિલ્હીના ઝવેરી બનવા તરફ લઈ ગઈ ત્યારે એક વખત બિહારના શાહની નોકરીમાં રહેલા ફરીદે વાઘ સાથેના શિકારમાં શાહને જાનના જોખમે બચાવ્યા. તલવારના એક જ ઝાટકે પહાડ જેવા વાઘના બે કટકા કર્યા એટલે એમણે એને ખુશ થઈને પ૦૦ સવારોની સરદારી અને ફરીદખાંને શેરખાંનું ઉપનામ આપ્યું. જ્યારે હેમુએ પોતાના મિત્રની શૂરવીરતાની આ વાત સાંભળેલી ત્યારે કહેલું કે ‘આ એકલહથ્થો લડવૈયો હિંદનો બાદશાહ બનશે (પૃ. ૩૪) અને પોતે પોતાના મિત્રને હિંદનો બાદશાહ બનવામાં મદદ કરશે’ એવું વચન પણ આપેલું.

જ્વાળામુખી જેવા રાજકાજમાં પુત્રને હોમવાની અનિચ્છાવાળા હેમરાજના પિતા શ્રેષ્ઠી રાજપાળે પુત્રને ઝવેરાતના ધંધામાં પારંગત બનાવેલો. દિલ્હીમાં એમની અજોડ શાખ હતી. નવાબો, સૂબાઓ, સુલતાનો એમનાં પગથિયાં ઘસતાં. આમ છતાં તેમનું આંતરસત્ત્વ કંઈક જુદા જ પ્રકારનું હતું. એના એક દિમાગમાં હજાર લશ્કરનું બળ હતું. એના શબ્દોમાં મડદાંને સજીવન કરવાની તાકાત હતી. એના બાહુમાં સલ્તનતો સર્જવાની ને ભાંગવાની અજબ કરામત હતી. પટાબાજીમાં એને પછાડે એવો નર હજી સુધી થયો નહોતો. એની બંદૂકની નેમ એવી હતી કે પંખી પોતાનો માળો ચૂકે તો એ નેમ ચૂકે. ગજસેનાના શોખીન એવા આ નરબંકાએ પોતાની આગવી ગજસેના કેળવી હતી. એમાંય ‘હવા’ તો એનો પ્રિય હાથી હતો . સળગતી ખાઈમાંથી પણ જો એને પસાર થવાનું હોય તો તે નિર્ભયપણે ચાલી નીકળે. હવાને માટે બંદૂકોના ને તોપોના વાર વૃક્ષ પરથી ઝરતાં ફૂલપાંદડાં જેવા હતા.

આવા હેમુને ત્યાં એક દિવસ જૈન જતિ આવે છે એ સમય એવો હતો જ્યારે દરેક ધર્મના અગ્રગણ્ય પુરુષો ધર્મને રાજ્યાશ્રય મળે એ માટે ખૂબ પ્રયાસ કરતા. પોતાનાં વિદ્યા, તપ, આત્મબળ વગેરેથી રાજાઓને રીઝવી