લખાણ પર જાઓ

પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૬૩
 

મોગલો સાથે યુદ્ધ ચઢે છે. એની હાક અને ધાક એવી છે કે ‘હેમુ યુદ્ધે ચડ્યો’ એ સાંભળતાં જ કેટલાયની શૂરવીરતા ઠંડી પડી જાય છે. અને અંતે મહારથી હેમુ દિલ્હી સર કરે છે. સિંહાસનની સુંદરીએ અનેક રાજવંશીઓને રઝળતા મૂકી અને બનિયાવીરને કંઠે વરમાળા આરોપી. વિક્રમાદિત્યનું બિરૂદ ધારણ કરી હેમુએ દિલ્હીનું રાજ્ય સંભાળ્યું. નવલકથાનો આ ભાગ વિક્રમાદિત્ય હેમુના રાજ્યારોહણ સાથે સમાપ્ત થાય છે.

જયભિખ્ખુની પ્રસ્તુત નવલકથાનું શીર્ષક ભલે ‘વિક્રમાદિત્ય હેમુ’ હોય... હેમુની કથાને નિમિત્તે લેખકનો મુખઅય ઝોક દિલદિલાવરીનાં અદ્‌ભુત નમૂનારૂપ પાત્રો શેરશાહ - વિક્રમાદિત્ય હેમુનાં ચરિત્રને અને એ દ્વારા આદર્શ હિન્દી રાજવીઓનાં ચિત્રને સમાજ સમક્ષ રજૂ કરવાનો રહ્યો છે. હેમુ કે શેરશાહ એવા રાજવીઓ હતા જેમાં એક જૈન વાણિયો અને બીજો અફઘાન હોવા છતાં રાજવી તરીકે જેમને હર્ષ કે ભોજની કક્ષામાં મૂકવા પડે. તેઓના હૈયે હિંદનું હિત, હિંદી પ્રજાનો ઉત્કર્ષ જ મુખ્ય હતાં. અદલ ઇન્સાફમાં મઝહબી પાગલપનનો નિતાન્ત અભાવ જોવા મળતો હતો. એમણે પોતાનું સુચરિત જીવન અહીં ગુજાર્યું, અહીંના થઈને રહ્યાં ને મર્યા પછી પણ આ ભૂમિની માટી પર જ સૂવા માટે પોતાના હાથે પોતાના મકબરા બાંધ્યા - સમન્વય, સહકાર અને સહાનુભૂતિના જાણે એ યુગના પયગંબરો.

જયભિખ્ખુના મતે આજે જે કમવાદ સમાજમાં વકર્યો છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આપણને મળેલું કટુ ફળ છે. સાચા ધર્મને વિસારી ધર્મઝનૂનમાં મસ્ત બનેલા આપણે નાની નાની વાતોમાં અસહિષ્ણુ બન્યા છીએ, પાગલ બન્યા છીએ. એવા વખતે હેમુ અને શેરશાહની આ કથા મઝહબી એકતાનું, દિલદિલાવરીનું અને રાજકારણ ધર્મનો કેવો સગવડિયો ઉપયોગ કરે છે એનું ઉદાહરણ પૂરું પાડી સમાજને સાચો માર્ગ બતાવે છે.

જયભિખ્ખુ આપણા જીવનધર્મી સાહિત્યકાર છે. પોતાના સાહિત્ય દ્વારા સમાજને કંઈક પથદર્શન કરાવવાની એમની નેમ રહેલી છે. એને કારણે જ ઐતિહાસિક નવલકથા હોવા છતાં યા નવલકથામાં કથાની સમાંતરે ચિંતન ચાલ્યું આવે છે. એ માને છે કે રાજનીતિ કરતાં ધર્મનીતિ ચડિયાતી છે. લોકસુધારણા કરવાથી સમાજનો ઉત્કર્ષ આપોઆપ થાય છે. હેમરાજના