પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૬૯
 

‘ભાગ્યનિર્માણ’ :

‘વિક્રમાદિત્ય હેમુ’ના અનુસંધાનમાં આગળ વધતી આ નવલકથા હેમુના રાજ્યારોહણથી અકબર સામેની લડાઈમાં હેમુના વીર મૃત્યુ સુધીની કથાને શબ્દરૂપ આપે છે. કથા આરંભાય છે સૌંદર્યસામ્રાજ્ઞી ચિંતામણિના સુરદાસ સાથેના મધુર મિલનથી. સામાન્ય રીતે કોઈથી પણ અભિભૂત ન થનારી ચિંતામણિ જમુનાના જલવિહાર દરમિયાન દૂરથી સંભળાતા સૂરસંગીતથી આકર્ષાઈ વિહ્‌વલ હરિણીની જેમ સૂરદાસની નજીક ખેંચાઈ આવે છે. થોડી ક્ષણોનો પરિચય અવનવી આત્મીયતામાં પલટાઈ બંનેને એક અજબ બંધનમાં બાંધી નજીક લાવી દે છે. કથાનો આ ઉઘાડ એક રમણીય ચિત્રમાલાના સુંદર દૃશ્ય જેવો આકર્ષક છે.

કથાનું આ રમણીય દૃશ્ય ભાવકની આંખમાં પૂરું અંકાય ના અંકાય ત્યાં જ લેખકનો કૅમેરો મૂળ કથા વસ્તુ તરફ ભાવકચિત્તને દોરી જાય છે. ગ્રીષ્મની એક વહેલી પરોઢે દિલ્હીશ્વર હેમુના સૈન્યના હાથી જમુનાસ્નાન બાદ દિલ્હીમાં પરત આવી રહ્યા હતા ત્યારે અંધારાનો લાભ લઈ હાથીઓની સાથે બે અજાણી વ્યક્તિઓ પણ દિલ્હીમાં પ્રવેશે છે. પોતાને છોટેભૈયા બડેભૈયા તરીકે ઓળખાવતી આ વ્યક્તિઓ ઘોડાના સોદાગર બનીને દિલ્હી દર્શન કરે છે. અને એ દરમિયાન ચિંતામણિના પરિચયમાં આવે છે. આગ્રા-દિલ્હીની આ મશહૂર ગાયિકા નર્તકીના હૃદયમાં દિલ્હીશ્વર હેમુ તરફ કોઈ છાને ખૂણે વિષવેલ બનીને પાંગરતા દ્વેષભાવ - રોષભાવને છોટેભૈયા પારખે છે અને પોતે પણ હેમુનો કાળ બનવા માટે જ હિંદુસ્તાનમાં આવ્યો છે, એવો એકરાર કરી શત્રુના મિત્ર બને છે.

હેમુના શત્રુ બનવાનાં સ્વપ્નો નિહાળનાર આ આજાનબાહુ કિશોર યુવકમાં કોઈ વિશિષ્ટ શક્તિ પારખી પુરુષ-પરાક્રમની પારખુ ચિંતામણિ તેને પોતાની અલકલટનાં બે મોતી આપીને ઇમાન અને ઇન્સાનિયત જાળવી યુદ્ધમાં વિજયી બનવાની દુઆ આપે છે. ચિંતામણિની કોઈ સુખનિયાળ ક્ષણે અપાયેલી આ દુઆ અને તકદીર તથા તદબીરના બે મોતી લઈને ચિંતામણિના રૂપગુણથી અભિભૂત બનીને ત્યાંથી નીકળેલો આ યુવાન તે બીજું કોઈ નહીં પણ મુગલ શહેનશાહ હુમાયુનો પુત્ર અકબર છે. પોતાના મંત્રી અને વડીલ બહેરામખાં સાથે દુશ્મનની તાકાત માપવા છુપા વેષે દિલ્હીમાં આવ્યો છે.