પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાઠીના કુમાર
[ ૯
 

ઉપરથી કાંઈક માહિતી મળે છે, પણ તે બરાબર નથી. પરંતુ કલાપીએ પોતે જ લખ્યું છે: ‘મ્હારાં મા ગુજરી ગયાં ત્યારે હું ચૌદ વર્ષનો હતો, ત્યાંસુધી તો અલમસ્ત હતો. તે ઉપરથી મને આ વિચાર આવે છે. મારા બાળક મિત્રો બાળક મનથી રાજ્યના, સત્તાના વિચાર કરતા, ત્યારે હું મારા જંગલના વિચારો કરતો. એ વિચાર ગાંડા છે, ન બની શકે તેવા છે, એવું મને ત્યારથી તે આજ સુધી કદી લાગ્યું નથી. હું પરણ્યો...લગ્નના સુખમાં પણ મને એ વિચાર નહોતો આવતો એવું બન્યું નથી, પરંતુ એ વિચાર બહાર મુકીશ તો સૌ મને ગાંડો કહેશે અને થવાનું કાંઈ નથી એમ ત્યારે મને લાગતું. થોડા સમય પછી હું મુસાફરીએ ગયો ત્યાં પ્રથમ એ વિચાર મેં બહાર મૂક્યો–લીંબડી ઠાકોર સાહેબ પાસે'.[૧]

આ સર્વ ઉપરથી કલાપીના ચારિત્ર્યનું મુખ્ય લક્ષણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. રાજા થવા માટે જન્મેલા આ રાજકુમારના હૃદયમાં નાનપણથી જ વૈરાગ્ય તરફ સ્વાભાવિક અને અસાધારણ આકર્ષણ હતું. પ્રકૃતિ અને માનવપ્રેમ માટે તેમનું હૃદય સતત તલસતું હતું, અને તેથી તેમણે ટૂંકી જિંદગીમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં પ્રવાસ કર્યો હતો અને અનેક મિત્રો કર્યા હતા.

ચૌદમે વર્ષે માતાનું મૃત્યુ થયું અને પંદરમે વર્ષે તે બે પત્નીઓને વર્યા અને માતાનો ‘અલમસ્ત’ પ્રેમી દાંપત્ય પ્રેમમાં પણ અનેરી ઝલક દાખવી ગયેલ છે. વળી શોભના સાથેના પ્રણયની કથામાં રોમાંચક તત્ત્વ પણ છે. આ બધું છતાં પણ, અને કવિ તથા રાજવી તરીકે જગતની સમક્ષ પ્રકાશવા છતાં, કલાપી એક મુમુક્ષુ હતા એમ કહીએ તો જ તેમના ચારિત્ર્યનું સાચું મૂલ્યાંકન કર્યું ગણાય.


  1. ૧. ‘શ્રી કલાપીની પત્રધારા.’
    તાત્યા સાહેબને પત્ર પૃ. ૪૫૩–૫૪