પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૨
કલ્યાણિકા
 

ત્યારે આકાશમાં રંગની અનેરી લીલા છવાઈ રહે છે; તેમ અજ્ઞાનના આવરણે જીવ સાચા સ્વરૂપનું ભાન ભૂલી માયામાં ભટકે છે, પણ સત્ય જ્ઞાનનો પ્રકાશ પામતાં એ નિજસ્વરૂપનો સાચો અનુભવ મેળવે છે. આજે એવા સત્ય જ્ઞાનનો પ્રકાશ મને સાંપડ્યો છે.

કડી ૪. સાતે સ્વર્ગનાં તેજ આપણી એક જ આંખમાં છુપાએલાં છે. પણ એ આંખ પર જગતની - માયાની પાંદડીનું આવરણ આવી પડ્યું છે. એ ખસી જતાં એ અનંત પ્રકાશની પ્રાપ્તિ સહેજે થાય છે.

કડી ૬ - ૭. એ નવદૃષ્ટિનાં - જ્ઞાનમય ચક્ષુનાં - અદ્‌ભૂત તેજ કોઈકે જોયાં ને એને જેરવ્યાં. પ્રભુનું સૌંદર્ય એક જ દાણા વડે - કેવળ માયાના આવરણે - ઢંકાઈ રહ્યું હતું. એ આવરણ જતું રહેતાં ઈશ્વરની સુંદરતા સહેજે સાંપડી ગઈ. ગંગાસ્નાન વડે જેમ પાપો ધોવાઈ જાય છે, તેમ આત્માની આંખ દુઃખાનુભવથી આવતાં અશ્રુઓનું સ્નાન કરીને નિર્મળ બની છે, અને હવે જ્ઞાનના એકે એક કિરણે ભરપૂર આનંદ મળી રહ્યો છે.

પૃષ્ઠ ૧૧૩. પ્રણવશક્તિ ઓમકાર-પ્રણવમંત્રનો જાપ એ ઈશ્વરોપાસનાનું એક અંગ છે. એના જાપ વિના છૂટકો નથી.

કડી ૨. તંબૂરાને જેમ તારો બાંધ્યા હોય છે ને તારને છેડવાથી સૂર ઉત્પન્ન થાય છે તેમ શરીરરૂપી તંબૂરા પર ઓમના ત્રણ તારો - અ-ઉ-ને મ્ એ ત્રણ અક્ષરનો બનેલો શબ્દ - બાંધી દે. પછી એ તારો છેડી જો. ઈશ્વરનાં દિવ્યગાનનાં સૂર એ પ્રગટાવશે.

પૃષ્ઠ ૧૧૫. વલોણું કડી ૫ આ આખા બ્રહ્માંડનું વલોણું ચાલી રહ્યું છે. એનાં નેતરાં વિશ્વના સર્વે પદાર્થો તાણી રહ્યા છે. સૂર્ય ને ચન્દ્ર, પૃથ્વી ને ધ્રુવનો તારો, અનંત આકાશમાં ઘૂમી રહેલાં નક્ષત્રો એ સર્વ એ વલોણું ખેંચી રહ્યાં છે. બધાંને એ અપૂર્વ નાદ લાગ્યો છે. વિશ્વના સર્વ પદાર્થો એક બીજાને ખેંચી રહ્યા છે એ ગુરુત્વાકર્ષણનો મહા નિયમ જાણીતો છે. એ આકર્ષણ સર્વવ્યાપી છે.

પૃષ્ઠ ૧૧૭. મારે દ્વારે મારો પ્રભુ મારે બારણે આવીને ઊભો છે. હું ગૂંચવાઈ ગયો છું. એ તો સમસ્ત વિશ્વનો સ્વામી છે. હું રંક, કંગાળ છું. હું એને શું આપું ?

કડી ૨ પ્રભુ કહે છે, મેં જ તારી આવી દશા કરી છે. મેં પોતે જ તને કંગાળ બનાવ્યો છે. કારણ કે મને રંકને માટે પ્રેમભાવ છે. આખી દુનિયા સભર ભરેલી દેખાય છે, પણ તારા વિના એ નકામી છે. દુનિયાને તારી પણ જરૂર છે.