પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઝંખના
૧૫
 

પૃથ્વી આકાશ બધું પ્રભુથી પૂર્યું રે,
અણુ યે નથી કોઈ ખાલી રે;
કોડી ન કિંમત આ દેહની આવે રે :
એ છે અમૃત, હું તો પ્યાલી રે !
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૪

અલખ નામનો છે એકડો એ તો રે,
લાખ મીંડાંનું મૂલ અંકાવે રે;
અલખ વિના નહીં લખ કોઈ લહેરે રે,
હું ને મારું ત્યાં શું મનાવે રે ?
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૫

ભીતર એ ટોકી રહે છાનો ને છપનો રે,
બહાર રહે રંગેરંગે છાઈ રે;
જડ ને ચેતન કેરું નૂર જ છે એ તો રે,
સાચી છે એની જ સગાઈ રે !
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૬

આત્મે હીંચોળી મારો સાહેબ હુલાવું રે,
હૈયે માલિક મારો રાખું રે;
નેણાંમાં નાથ મારો સભર સમાવું રે,
અદ્દલ તદ્રૂપ જીવન આખું રે !
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૭