પૃષ્ઠ:Kankavati.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘેર જાય ત્યાં જેઠાણીની આંખ ફાટી ગઈ છે. આહાહાહા ! નભાઈને જીવતો દીકરો : માયાની હેડ્યું હાલી આવે : ગા આવે : આ તે શાં કોત્યક ! એણે દેરાણીને વાત પૂછી છે. સાંભળીને એના મનમાં થયું છે કે ઠીક ! હવે પોર સાતમા આવવા દે.

વળતે વરસે તો સાતમ આવી છે . જેઠાણીએ તો જાણી જોઈને ચૂલા ઠાર્યા નથી. માતાજી એ તો આવીને શરાપ દીધા છે, છોકરો તો બળીને ભડથું થઈ ગયો છે. છોકરાને ઉપાડી જેઠાણી તો શીતળા પાસે હાલી છે.

ગોંદરે જાય ત્યાં ગા ઊભી છે. ગા કહે કે “બાઈ બાઈ, ક્યાં જાછ ?”

“જાઉં છું શીતળાને ગોતવા.”

“બાઈ, શીતળા માને તું દીઠ્યે ઓળખ, કે ત્રૂઠ્યે ?”

“દીઠ્યે ઓળખું, દીઠ્યે. ત્રૂઠ્યે વળી શું ?”

“ત્યારે, બાઈ, મારો સંદેશો લેતી જઈશ ?”

“તારો સંદેશો ને સાંઈ ! જા ને રાંડ નવરી ! જોતી નથી ? મારો તો છોકરો ભડથું થઈ ગયો છે” એમાં તાડૂકીને બાઈ તો હાલી જાય છે. તળાવડીને, સાંઢડીને, મગરમચ્છને, આંબાને સૌને તાડૂકીને જવાબ આપે છે. ક્યાંય એને શીતળા મા મળતાં નથી.

ચારેય સીમાડા ભમીને સાંજ પડ્યે બાઈ તો ઘેર આવી. છોકરો તો ભડથું જ રહ્યો છે.


શ્રાવણિયો સોમવાર


[શ્રાવણ માસના ચારેય સોમવારે, પ્રભાતે, નદીતીરે, કાં કોઈ પીપળાને છાંયે, ને કાં કોઈ ફળિયામાં વ્રતિનીઓ ટોળે વળીને બેસે છે. હાથમાં ચપટી ચપટી ચોખા રાખે છે. અને એક સ્ત્રી સુકોમલ લહેકાથી વાર્તા કહે છે. પ્રત્યેક વાક્યના વિરામ સાથે જ, અન્ય સ્ત્રીઓ 'મા'દેવજી !' એટલા શબ્દ બોલી હોંકારો દે છે. વાર્તાને અંતે ચોખા ચકલાંને નાખે છે. એક જ વાર જમે છે. ચારેય સોમવારની જુદી જુદી વાતો છે.]

સવર-પારવતી હતાં.

ઈસવર કહે, હું તપ કરવા જાઉં, પારવતી કહે, હું હારે આવું. "અરે પારવતીજી, એવી તે કાંઈ હઠ હોય ! વનમાં તમને થાક લાગે, ભૂખતરસ લાગે, ને મારા તપમાં ખામી આવે. મને કેટલી વપત પડે !"

લઈ જાઓ તો ય આવું, ને ન લઈ જાઓ તો ય આવું; આવું ને આવું !"

પારવતીએ હઠ લીધી છે, અને મહાદેવજીની સાથે ચાલતાં થયાં છે. ચાલતાં ચાલતાં એક ગામ મૂક્યું છે, બીજું ગામ મૂક્યું છે, અઘોર વનમાં આવ્યાં છે. ત્યાં પારવતીજી કહે છે કે, " મહારાજ, મને તરસ લાગી છે. મારાથી તો હવે ચલાશે નહિ."