પૃષ્ઠ:Kankavati.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વહુ પી'રથી આવી છે.
ગા ગોંદરેથી આવી છે.
ભેંસ સીમાડેથી આવી છે.
ઘૂમતું વલોણું થઇ રિયું છે.
ઝૂલતું પારણું થઇ રિયું છે.
લાલ ટીલી થઇ રહી છે.
કાખમાં ગગો થઈ રયો છે.
વાડે વછેરા થઈ રયા છે.
પરોળે પાઠા થઇ રયા છે.
હે માતાજી! સત તમારાં,
ને વ્રત અમારાં.


પુરુષોત્તમ માસ


[આ વાર્તા કહેવાનો લહેકો તદ્દન જુદો પડી જાય છે. આરોહ-અવરોહ પલટી જાય છે.]

ગોર અને ગોરાણી હતાં પુરુષોત્તમ માસ આવ્યો.

ગોર ગોર, અમને પુરુષોત્તમ માસ નવરાવો. પુરુષોત્તમ માસ કેમ નવાય ?

સવારના પો'રમાં વે'લું ઊઠવું : ગંગા જમના નદી કહાવે છે એમાં નાવું : નાઈ કારવીને કાંઠા ગોર્યની પૂજા કરવી : એક ટાણું ભોજન કરવું : ભોંય પથારી કરવી : પીપળાની પૂજા કરવી : તુળસીની પૂજા કરવી : દીવાનાં દર્શન કરવાં.

ગોર ગોરાણી તો નત્ય ઊઠીને ના'ય છે. કાંઠા ગોર્યની પૂજા કરે છે, પીપળાની પૂજા કરે છે. દીવાનાં દર્શન કરે છે. એક ટાણું આહાર કરે છે.ભોંય પથારી કરે છે.

સાત કોટડીએ માયા હતી. બધી વાતે સુખ હતું. પણ ગોરાણીને પેટ જણ્યું નહોતું.

ગોરાણીએ નિસાસો નાખીને કહ્યું કે, "ઘેર નાની વહુ હોય તો કેવું સારું ! નિરાંતે નાઈએ ધોઈએ."

"અરે ગોરાણી, ગાંડાં થયાં ? દીકરા વિનાની તે વહુ ક્યાંથી આવે ?"

"આવે તો ય લાવો ને ન આવે તો ય લાવો. લાવો ને લાવો !"

"ઠીક, ત્યારે ઢેબરાં કરી નાખો."

ગોરાણીએ તો ઢેબરાં કરીને ભાતું બંધાવ્યું છે. ગોરે તો સોનામહોરનો ખડિયો ભર્યો છે. હાથમાં પોથી લીધી છે. લઈને ગોર તો દીકરાની વહુ ગોતવા નીકળ્યા છે.

એક ગામ મેલ્યું. બીજું ગામ મેલ્યું. ત્રીજા ગામને પાદર જાય ત્યાં તો તેવતેવડી છોકરીઓને ઘોલકી ઘોલકી રમતી ભાળી છે. એમાં એક છોકરી બોલી છેઃ "બાપુ ! મારી