પૃષ્ઠ:Kankavati.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવરજી ! દેવરજી ! દેરાણીને ડાંગર ખાંડવા મેલો. એના ભાગની ડાંગર બીજું કોણ ખાંડશે ?

કુંવર તો મૂંઝાણા છે, જઈને એણે તો ખીલકોડી રાણીને પૂછ્યું છે કે શુ કરશું ? મારી તો લાજ જવા બેઠી છે.

ખીલકોડી રાણી કહે છે કે એમાં શું મુંઝાવ છો ? મારા ભાગની ડાંગર આંહીં મંગાવી દ્યો ને ! રૂપાળી હું ખાંડી નાખીશ.

કુંવરને તો કોત્યક થયું છે. અરેરે, આ વનનું જાનવર, ન મળે હાથ ન મળે જોર, કેમ કરીને ડાંગર ખંડશે ?

એણે તો ભોજાઈઓને કહેરાવ્યું છે કે તમારી દેરાણીના ભાગની ડાંગર આહી મોકલો. ખાંડી દેશે.

ડાંગરના તો ઢગલેઢગલા આવ્યા છે. ખીલકોડી બાઈએ તો વનનાં પંખીને બોલાવ્યાં છે. ઝીણીઝીણી ચાંચાળા ચકલાં આવ્યાં છે. પારેવાં આવ્યાં છે. કાબર આવી છે ને હોલા આવ્યા છે. સહુએ અક્કેકો દાણો લઈને ડાંગર ફોલી નાંખી છે. ફોતરાં ને ચોખા બેય આખેઆખા નોખા પાડી દીધા છે. એકેય ચોખો ખંડિત થવા દીધો નથી. રૂપાળા રૂપાળા ફૂલ સરીખા ચોખા ફોલીને એક કોર ઢગલો કરી દીધો છે. કરી પંખીડાં ઊડી ગયાં છે.

રાજકુંવરે તો ચોખા ભોજાઈઓને મોકલ્યા છે. ભોજાઈઓને તો ભાળીને અચરજ થઈ ગઈ છે, એમને થયું છે કેવી આવી અખંડત ડાંગર ખાંડનાર તે કોણ હશે ને કોણ નહિ હોય ?

ભોજાઈઓએ તો ફરી કહેવરાવ્યું છે કે દેવરજી, દેવરજી, દેરાણીને ગાર કરવા મેલો. એના ભાગની ગાર અમે તો નહિ કરીએ.

કુંવર તો વળી ફરી વાર મૂંઝાણો છે, રાણીને તો કેમ કરીને મોકલવાં તે કાંઈ સૂઝતું નથી. સાતમે માળે જઈ ખીલકોડી વહુને તો વાત કરી છે.

વહુ કહે છે કે એમાં તે શી મૂંઝવણ છે ? મારા ભાગની ગાર નાખી મેલાવજો, રાતે જઈને હું ગાર કરી આવીશ.

કુંવરને તો કોત્યક થયું છે. અરેરે, આ નાનું જાનવર શી રીતે ગાર કરશે ?

રાત પડી ત્યાં તો ખીલકોડી રાણીએ મોરલાને, પોપટને અને પારેવાંને બોલાવ્યાં છે. પંખીડાંએ તો વોકળિયું પાડીને પગથી રૂપાળી ગાર કરી દીધી છે. કેમ જાણે કંકુના ચિતરામણ કર્યાં હોય એવી રૂપાળી ભાત્ય પાડી છે. કરી કારવીને પંખીડાં તો પાછાં ચાલ્યાં ગયાં છે.

સવાર પડ્યું ત્યાં ભોજાઈઓ ગાર જોવા આવી છે. રૂપાળી વોકળિયું પાડીને ગાર કરેલી દીઠી છે. એને તો અચરજ થયું છે કે દેરાણીની આગળીઓ તે કેવીક નમણી હશે ! ને કેવીક નહિ હોય ! મરતલોકનાં માનવીથી આવાં ચિતરામણ તો શે થાય ? દેવરિયાના