પૃષ્ઠ:Kankavati.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નોળી નોમ


[શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીએ જેને પેટે સંતાન હોય તે સ્ત્રી આ વ્રત વરીને જુવારનું એક ઘારવડું ખાઈને રહે છે.]

બામણને બામણી હતાં. પેટે કાંઈ જણ્યું નહોતું. ચપટી ચપટી લોટ માગી આવે ને એમાંથી વરવહુ પેટ ભરે.

એક દી બપોરે બા'મણ બા'ર ગયા છે. દુઃખિયારી ગોરાણી ઊંબરાનું ઓશીકું કરીને સૂતી છે. સૂતી સૂતી એની નજર છાપરે જાય છે. એણે તો એક કોત્યક દીઠું છે.

શું કોત્યક દીઠું છે? ચકલો ને ચકલી બેઠાં છે. ચકલી માળો નાખે છે ને ચકલો માળો ચૂંથી નાંખે છે. વારે વારે ચકલી માળો નાખે ને વારે વારે ચકલો માળો ચૂંથી નાખે.

ચકલી પૂછે છે, "અરે ચકા રાણા, શીદને આપણો માળો ચૂંથી નાખો છો ?"

ચકલો કહે છે,"હે ચકી રાણી, આ ઘરનાં ધણી-ધણિયાણી તો વાંઝિયાં છે, ને એકેય નાનું છોકરું નથી. એટલે એના ઘરમાં દાણાનો એકેય કણ કોદી વેરાશે નહિ. વિચાર વિચાર, હે ચકી ! આવા ઘરમાં આપણા પોટા ખાશે શું ને ઊઝરશે શી રીતે ?"

ચકલા-ચકલીની આટલી વાત સાંભળીને બાઈ તો રહ ! રહ! રોવા મંડી છે, બામણ ઘેર આવ્યો છે. આવીને પૂછે છે. " અરે ગોરાણી, રોવું શીદ આવ્યું ?"

ગોરાણીએ તો ચકલા ચકલીની વાત કરી છે.

ગોર બીજે દા'ડે માગવા હાલ્યો છે. રસ્તામાં જુએ તો એક નોળિયો હાલ્યો જાય છે ને નોળિયાની વાંસે કૂતરાં દોડે છે.

બામણે તો નોળિયાને તેડી લીધો છે. તેડીને એને ઘર લઈ આવ્યો છે. આવીને બામણીને કહે છે : "લે અસ્ત્રી ! આને પાળ, ખવરાવ, આનંદ કર ને દીકરાનું દુઃખ વીસર."

ગોરાણી તો નોળિયાને પેટના દીકરા જેમ પાળે છે. એમ કરતાં તો ગોરાણીને દિવસ ચડ્યા છે. નોળિયાને પરતાપે નવ મહિને દીકરો આવ્યો છે. દીકરો તો અદાડે ઊઝર્યો જાય છે.

એક દી ગોરાણી પાણી ભરવા હાલી છે. નોળિયાને તો ભલામણ દીધી છે : " ભાઈને સાચવજે, હો! રોવે તો હીંચકો નાખજે. હું પાણી ભરવા જાઉં છું."

ડગ ! ડગ ! ડગ ! ડગ ! ડોકી ડગમગાવીને નોળિયો તો જાણે કહે છે કે "હો માડી !"

ઘોડિયા પાસે બેઠો બેઠો નોળિયો દોરી હલાવે છે. ત્યાં તો કા...ળો ઝેબાણ જેવો એક નાગ નીકળ્યો છે. નોળિયે તો નાગને દીઠો છે.

હાય હાય! હમણાં મારા ભાઈને મારી નાખશે ! એમ વિચારીને નોળિયે તો દોટ દીધી છે, સરપને મોંમા ઝાલી લીધો છે. સરપના સાત કટકા કરી નાખ્યા છે.

હવે હાલ્ય ઝટ. મારી માને વધામણી દઉં.