પૃષ્ઠ:Karanghelo.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૪ )

માંજરી આંખના, અને ભુરા નીમાળાવાળા, કરણના વંશના કહેવડાવનારા કાઠી લોકો હતા, શરીરે ઠીંગણા પણ બાંધાદાર અને કમ્મરે તીરકામઠાં બાંધેલા કોળી, કાળા જુસ્સાવાળા, લુંટનો ધંધો કરનારા અને લડાઈમાં બહાદુર એવા ભીલ લોકો; અને ઉપલા લોકો કરતાં નરમાશવાળા ચહેરાના, સુધરેલી સ્થિતિના, તે પણ શૂર રજપૂત સિપાઈઓ બેઠા હતા. ચોગાનની વચ્ચોવચ હવેલી તમામ પથ્થરની હતી, અને તેની ભીંત ઉપર ઝાડ, કુલ, જાનવરો, માણસો વિગેરે કોતરેલાં હતાં. બારીઓ અગર જો નીચી હતી તો પણ તેઓ આગળ પડતી હતી, અને તેથી જે રવેશ થતા હતા તેની નીચે ટેકા ઘણા જ નકશીદાર હતા. પહેલા ઓરડા - એટલે પરસાળમાં માળ ઉપર જવાની પથ્થરની સિડી હતી, અને તેમાં ઘણાંએક ઘરના ચાકરો બેસી ગપાટા ગપાટા મારતા હતા. એ પરસાળ મુક્યા પછી જે એરડો હતો તેની વચમાં એક મોટો ખુલ્લો ચોક હતો, અને તેની ચારે બાજુએ બેઠક હતી. વચલા ચોકમાં કેળના સ્તંભ દાટેલા હતા, તથા વચમાં વચમાં હજારી રાતા તથા પીળા ગલગોટાના રોપા ખેાસેલા હતા. બેઠકના થાંભલાની વચ્ચે અાંબાનાં પાતરાંનાં તોરણ બાંધેલાં હતાં, અને બીજા કેટલાએક ઠાઠમાઠથી તે જગા એક વૈકુંઠના ધામ જેવી લાગતી હતી. ચોકની મધ્યે એક મોટો કુંડ કરેલો હતો, અને તેની આસપાસ બ્રાહ્મણો ઉઘાડે માથે બેઠેલા હતા. બેઠકમાં એક તરફ તમામ બાયડીઓ અને બીજી તરફ ભાયડાઓ બેઠેલા હતા. ત્રીજી તરફ રાજાના અંગના માણસો અને ચોથી તરફ આડોસીપાડોસીઓ જુદા જુદા વિષયો ઉપર વાત કરી તથા ઘણીએક વખત નીચે જે કામ ચાલતું હતું તે ઉપર ધ્યાન આપી કાળ ગમન કરતા હતા, તે દહાડે નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી માતાનો હવન તે વખતે થતો હતો, બ્રાહ્મણો ઘણા જોશથી ચંડીપાઠના મંત્ર ભણતા હતા તેથી આખા દીવાનખાનામાં જે શોર થઈ રહ્યો હતો, જે તલની આહુતિઓ આપવામાં આવતી હતી તે અગ્નિમાં પડતાં જ તડતડ અવાજ થઈ બહાર પડતા હતા, લીલોતરી તથા સહેલથી બળે નહી એવી વસ્તુઓ અગ્નિને અર્પણ કરતાં જ તેમાંથી ધુમાડાના જે ગોટેગોટા નીકળી