પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સરોવરમાં લીધી.

અહો ! આ બિચારા માંજીઓ માત્ર કાશ્મીરી જાર જેવા ચોખા, કમળની ડાંડલીઓ અને પાણીમાં ઉગતા કેટલાક છોડો પર પોતાનું ગુજરાન ચલાવે છે. દિવસમાં એકજ વખત પકાવે છે. અને પછી ટાઢું અનાજ ખાય છે. પંડિતોની લાકડીયો, ગાળો, અને જુલમ સહન કરે છે, વળી કાશ્મીરમાં શિયાળાની શરદીમાં માત્ર એક ફાટેલો જભ્ભો જ પહેરે છે છતાં તેઓની અજ્ઞાન અવસ્થાને લીધે તેઓ આને દુઃખ માનતા નથી, નફિકરા રહે છે અને પશુની માફક મજુરી કર્યા કરે છે.

સરોવરની અથવા સ્વર્ગની અંદર દાખલ થયા. પાણી પર કોમળ નીલા અને જરદવેલા, તેનાં કુમળાં, સુંદર અને પોપટિયા રંગનાં પાંદડાં, કેટલીક જગ્યાએ મખમલ જેવો દીસતો લીસો ચળકતો શેવાળ, અને કમળનાં નાનાં, ગોળ, લીલાં અને સુકાઇ ગયેલાં સોનેરી રંગનાં, અડાળીનાં આકારનાં પાનો છવાઇ ગયેલાં હોય છે ; તેઓ પર નાના, મોટાં, લાંબા, અને ગોળ, ચળકતાં, આમ તેમ રડતાં, ઘડીમાં મળી જતાં અને ઘડીમાં છૂટાં પડતાં સુશોભિત જલબિંદુઓ આકાશ પરના ખરતા તારાગણ અને અચલ ગૃહો જેવાં ભાસે છે. આ પાણીનાં ટીપાં અને આ પાન, ઘણે દીવસે ઘેર આવતા ભાઈને વધાવવાને જેમ બેને સાચાં મોતીથી સોનાનો થાળ ભરી રાખ્યો હોય તેવાં, વર્ષા ઋતુના અંધારા દિવસમાં કાળા ભીલોએ ધીટ જંગલના મદમત્ત વનગજોનાં ગંડસ્થલમાં તરવારોના પ્રહાર કરી લોહીથી ખરડાઈ ગયેલી રકાબીયોમાં મુક્તાફળ કાઢી લીધાં હોય તેવાં, અથવા રાતે જોસભર પડતા વરસાદનાં કણો જેવા વિજળીથી ચળકે છે તેવાં, નજરે પડે છે. તેઓના પર સૂર્યનાં કિરણો પડે છે તેથી તેઓ યુદ્ધ કરતાં પહેલાં કોઈ પૃથ્વીપતિનાં જડાવ કર્ણ પલ્લવ અથવા શરદ્‌ ઋતુની ચાંદની સમે શ્રીકૃષ્ણે કરેલી રાસક્રીડા સમાપ્ત થયા પછી તે જગાએ પડી રહેલાં ગોપ વધૂઓનાં રત્નજડિત રત્નપ્રભાથી ભરાઇ ગયેલાં ગાળાવાળાં નેપૂર જેવાં દીસે છે.