પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેણે કહ્યું કે 'આ મકાન સિકંદર લોદીએ ચણાવેલું છે, અને એક વખત અકબરે મરામત કરાવી ત્યાર પછી કોઇએ આની સંભાળ લીધી નથી.' મસજીદના બારણામાં બે ફારસી લેખ છે પણ અમારામાંથી કોઇને તે ભાષા આવડતી ન હતી તેથી તેમાં શું લખ્યું હતું તે જણાયું નહિ.

૪. આ મકાનની પાસે શાહ આમદાનની જારત છે તે અમે જોવા ગયા. ત્યાં પણ બૂટ ઉતારવા પડે છે. શાહ આમદાન એક મહા પુરુષ થઇ ગયેલા છે. તે જ્યાં બેસતા હતા ત્યાં એક લાકડાની ઓરડી કરેલી છે અને તેની ઉપર અને પાસે દીવાલ પર કેટલાક અરબ્બી ભાષામાં લેખ છે. આ અક્ષરો ત્રાંબાના છે એમ અમે ધાર્યું હતું પણ હાથ ફેરવી જોતાં માલમ પડ્યું કે તે રંગેલા છે.

૫. ગામની શેરીઓમાં ખડબચડા પથ્થર પડેલા છે તેથી ગાડી અથવા ગાડું ચાલી શકે તેમ નથી અને જો ચાલે તો એકનાં બે થાય. વળી રસ્તા ઘણાજ દુર્ગંધવાળા છે. તેથી નાક આડો રૂમાલ રાખી અમારે ચાલવું પડતું. તોપણ વાઈસરૉયને લીધે આ વખતે રસ્તા જરા સાફ રાખવામાં આવ્યા હતા. વાઈસરૉયને લીધે આ ગંદકીનો ખરો અનુભવ નહીં થવાથી અમે તેટલી વાતથી બિનવાકેફ રહી ગયા છીએ. ખરેખરૂં દુર્ભાગ્ય !


તા. ૮-૧૧-૯૧ :- આજ બપોરે અમે જમીને હરિ પર્વત જોવા ગયા. કિસ્તી એક જગ્યાએ બજારમાં ઉભી રાખી અને ત્યાંથી બાબુ કાલિદાસે ટટ્ટુ અને ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં તે પર સ્વાર થઈ ટેકરી તરફ ચાલ્યા. આ વખતે ડાકટર પુરુષોત્તમે પનોતા પ્રાણી ( ખચ્ચરની) સ્વારી કરી હતી. અમે ઘણા દિવસથી હજામત કરાવી શક્યા નહોતા અને કપડાં પણ વિચિત્ર પહેર્યાં હતાં, તેમાં વળી ડાકટર લંબકરણ ઉપર બેઠા હતા તેથી એમની મશ્કરી કરતા કરતા રેતીમાં ધીમે ધીમે ચાલવા લાગ્યા. કોઇએ મંકીકેપ (એક જાતની વિલાયતી ટોપી) માથા પર ઘાલી હતી તો કોઇએ કાનટોપી પહેરી હતી, કોઇએ ઓવર